1 કરોડનું દેવું થઈ જતા 65 લાખની લૂંટનું રચ્યુ તરકટ, ફરિયાદી જ આરોપી નિકળ્યો
સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક 65 લાખ રુપિયાની લૂંટનો બનાવ નોંધાયો હતો. બનાવને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ શરુ કરી હતી અને નાકાબંધી જિલ્લામાં આપવામાં આવી હતી.પરંતુ પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને ફરિયાદી પર શંકા જવાને લઈ રોકડ રકમ હોવા અંગેની તપાસ શરુ કરવામાં આવી હતી. આખરે આખીય ઘટના ઉપજાવી નિકાળી હોવાનું સામે આવ્યુ હતુ.
શુક્રવારે બપોરે દીલધડક લૂંટ થઈ હોવાની વાતો ચારે તરફ પ્રસરી હતી. પોલીસ પણ ચારે તરફ લૂંટારુઓને શોધવા લાગી હતી. પરંતું ફરિયાદ લેવા માટે પૂછપરછ કરનાર પોલીસ અધિકારીઓએ આશંકા રાખી તપાસ શરુ કરી હતી. જેમાં ફરિયાદીની વાતો પર શંકાઓ વધવા લાગી હતી, જેને લઈ પોલીસે શંકાની દિશાઓમાં તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને નક્કી થઈ ચૂક્યુ હતુ કે, વાત તૈયાર કરેલી સ્ક્રિપ્ટ છે અને આખોય મામલો લૂંટ થઈ હોવાનો ઉપજાવી નિકાળ્યો છે.
ઉપજાવી નિકાળેલી લૂંટની ઘટનાને લઈ હવે પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાર્યવાહી શરુ કરી છે. લૂંટ થઈ હોવાની વાત ઉપજાવી તરકટ કરનારા મુસ્તકખાન પઠાણે આખરે પોલીસ સામે આ મામલાની કબૂલાત કરી લીધી હતી. તેણે બતાવ્યુ હતુ કે, તેને એક કરોડ રુપિયાનું દેવું થઈ જવાને લઈ ઉઘરાણી વાળા પરેશાન ના કરે એ માટે આ નાટક કર્યુ હતુ. જેથી ઉઘરાણી કરનારાઓ તેને પરેશાન ના કરે એ માટે લૂંટની ઉપજાવી નિકાળેલ યોજના બનાવી હતી. જેમાં તેના લમણે પિસ્તોલ મુકીને એક અજાણી કારમાં આવેલા શખ્શોએ 65 લાખ રુપિયાની રકમની લૂંટ કરી હોવાનું નાટક કર્યુ હતુ. જેમાં પોલીસે વેપારી મુસ્તાક ખાન અને તેની કારના ચાલક મહેબુબઅલી સૈયદ સામે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો