
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં ચોમાસાના ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ વરસતા કેનાલ તૂટી હતી જેના કારણે 124 ગામમાં મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલ તૂટી જતા પાણી અનેક ગામોમાં ઘુસ્યા છે જેના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. એટલું જ નહીં સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા 664 લોકોનું રેસ્ક્યું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના રણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે. તૂટેલી કેનાલોમાંથી પાણી ગામમાં ઘુસી ગયા છે. આના કારણે ગામના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા છે. આ ઉપરાંત ઘણા ઘરોમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. તેમજ ખેતીલાયક જમીનમાં ઉગાડેલા પાકને પણ ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંતરીયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે જવા માટે મજબૂર બન્યા છે.
માનવો ઉપરાંત પશુઓ પણ આ જળમગ્ન પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે અને ઘણા પશુઓના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે. સુઈગામ ઉપરાંત આસપાસના ગામોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. થરાદ તાલુકામાં 664 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. SDRF ની ટીમ પણ રાહત કામગીરીમાં લાગેલી છે. થરાદના 124 ગામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને 20 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી. કુદરતી આપત્તિને પગલે સરકાર દ્વારા રાહત કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ કેડ સમાણા પાણી ઉતર્યા પછી જ પરિસ્થિતિમાં રાહત મળશે.
મહત્વનું છે કે થરાદના નાગલા ગામમાંથી 20, અભયપુરામાંથી 15, ખાનપુરમાંથી 51 જ્યારે દૂધવામાંથી 12 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. તો બેવડા ગામમાંથી 10, રામપુરામાંથી 60, બુધનપરમાંથી 56 અને સૌથી વધુ ચૂડમેરમાંતી 240 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા છે. હાલ સુઈગામમાં પણ SDRFની 1 અને NDRFની બે ટીમો તૈનાત કરાઈ છે. થરાદ, વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં 56 જેટલી ટીમો કામ કરી રહી છે.