ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના (Banaskantha) વાવ પંથકમાં ફરીથી વરસાદ વરસ્યો છે. કુંડાળીયા, રાધા નેસડા, માવસરી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ (Rain) ખાબક્યો છે. સરહદી વિસ્તારમાં બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં બાજરીના પાકને નુક્સાન થવાની શક્યતા છે.
બીજી તરફ રવિવારે આવેલા વાવાઝોડા અને વરસાદથી બનાસકાંઠામાં ભારે નુકસાન થયુ છે. જેના પગલે તંત્ર દ્વારા પશુ મોત અને માનવ મોતના સર્વેની કામગીરી કરાઈ રહી છે. પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલા યુવકના મોતની સહાય ચૂકવવામાં આવશે. પશુઓના મોતને લઈને પણ સહાય ચૂકવાશે. ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં પશુઓના મોત અને મકાન પડી જવા મામલે પણ સર્વે કરાશે. ગામડાઓમાં વાવાઝોડાથી નુકસાનને લઈને ગ્રામ પંચાયતો સર્વે કરી અને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપશે. વાવાઝોડા અને કમોસમી વરસાદમાં અનેક મકાનો ધરાશાયી થયા છે અને ખેડૂતોને નુકસાન થયું છે તથા પશુઓના મોત થયા છે.
મહત્વનું છે કે ચોમાસા પહેલા વરસેલા વરસાદે રાજ્યભરમાં ભારે તારાજી સર્જી છે. વરસાદરૂપી આફતમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. છેલ્લા 2 દિવસમાં તૂટી પડેલા વરસાદ અને મિની વાવાઝોડામાં 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 7 વ્યક્તિને ઈજા થઈ છે. રવિવારની મધરાતે સંખેડા તાલુકામાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતા.
પાલનપુરમાં દીવાલ તૂટી પડતા યુવકનું મોત થયુ હતુ. જ્યારે પતરુ વાગતા 7 લોકોને ઈજા થઈ હતી. બાબરામાં પણ વીજળી પડતા યુવાનનું મોત થયુ હતુ. અમદાવાદના વાડજમાં છાપરાવાળા મકાન પર વૃક્ષ તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં 15થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થયા હતા. મોટાભાગના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લામાં 311 જેટલા વીજપોલને નુકસાન થયુ હતુ. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા પ્રવાસીઓ પણ ફસાયા હતા. પાલનપુરમાં અસંખ્ય કાચા-પાકા મકાનોના પતરા ઉડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો