બનાસકાંઠાના (Banaskantha) ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતી બનાસ નદી ((Banas ઈ)પરનો બ્રિજ પશ્ચિમ બનાસકાંઠાને જોડવાનો મુખ્ય બ્રિજ છે. બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાઓ સહિત કંડલા અને ભૂજ તરફ જતા તમામ વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. થોડા દિવસ અગાઉ બનાસ નદી પર બનેલો એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા એક બ્રિજ બંધ કરાયો છે. જેથી ટ્રાફિકની (Traffic) સમસ્યા વિકરાળ બની છે. આ સમસ્યાના મામલે વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળતાં હવે ધારાસભ્ય શશીકાંત પંડયા આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રને સાથે રાખી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શું કરી શકાય તેને લઈને કામગીરી હાથ ધરી રહ્યા છે.
ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે આજે નાયબ કલેકટર કચેરીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા બ્રિજના ટ્રાફિકને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય તેમ જ ટ્રાફિકની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું કહેવું છે કે બ્રિજ પર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. હોસ્પિટલ તેમજ અન્ય કામે આવતા અનેક લોકો આ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાના કારણે હેરાન થઇ રહ્યા છે. પ્રજાની પરેશાનીનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર સાથે મળી જ્યાં સુધી ક્ષતિગ્રસ્ત બ્રિજને કાર્યરત કરવાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન માટે નવો રસ્તો બનાવી ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવુ જોઇએ. જેથી બનાસકાંઠા સહિત ડીસા ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન ન થાય.
ટ્રાફિકની સમસ્યા નિવારણ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના ઈન્ચાર્જ પ્રોજેક્ટ ડાયરેક્ટર પવન ગરૂવેનું કહેવું છે કે બનાસ નદી પર આવેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નદીની બંને બાજુ પટ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિકની સમસ્યા બ્રિજ રીપેરીંગનું કામ ત્યાં સુધ હળવી થઈ શકે છે. જે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે તેને પણ તાત્કાલિક ધોરણે રીપેર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી કામ કરી રહી છે.