બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે તેમનું નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે પાલનપુરમાં જાહેરસભા સંબોધી હતી. ગેનીબેન ઠાકોર આ સભા દરમિયાન ઘણા ભાવુક થઈ ગયા હતા અને ચોધાર આંસુઓ સાથે રડવા લાગ્યા હતા. ગેનીબેને સભા સંબોધતી વખતે અનેક જૂના સ્મરણો વાગોળ્યા હતા તેમણે કહ્યુ કે બનાસકાંઠાની જનતાએ મને ઘણુ આપ્યુ છે, એ પ્રજાનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકુ.
તેમણે કહ્યુ અત્યાર સુધીની મારી 28 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે અને હવે પછીની મારી તમામ જવાબદારી મારા પરિવાર સમા એવા બનાસકાંઠાની જનતા માટે અર્પણ કરવા માગુ છુ. કોંગ્રેસ પક્ષનો આભાર માનતા ગેનીબેન ભાવુક થયા અને જણાવ્યુ કે લોકોના પગની પાનીઓ ઘસાઈ જાય છે પરંતુ ટિકિટ નથી મળતી પરંતુ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકી મને ટિકિટ આપી છે ત્યારે હે ઈશ્વર મારી નાવને તુ તારજે.. આટલુ બોલતા ગેનીબેન અત્યંત ભાવુક થયા હતા અને તેમની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યુ કે બનાસકાંઠાના રા’નવઘણ જેવા મારા ભાઈઓએ મને કહ્યુ કે ગેનીબેન તમે રાતદિવસ એકલા પ્રવાસ કરો છો તો પોલીસ પાસે તમે સિક્યોરિટી માગી લો, ત્યારે મે એમને કહ્યુ બનાસકાંઠાની અઢારે આલમ 36એ કોમ એક પોલીસ તરીકે પહેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ન હોય.અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય. બનાસકાંઠા જિલ્લો મને જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેમનો ભરોસો છે એ ભરોસો હું તોડવા માગતી નથી.
વધુમાં તેમણે ઉમેર્યુ કે કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, અઢારે આલમ માટે એક કાળુ કફન બાંધવુ પડેને તો આ કફન બાંધીને તમારા બધા માટે થઈને નીકળી છુ. કાળુ કફન બાંધીને નીકળી છુ ત્યારે 28 વર્ષના રાજકીય કાર્યકાળ દરમિયાન અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે હું આજે બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગુ છુ કે પરિવારમાં એક દીકરો છે અને એના લગ્ન થઈ ગયા છે એટલે પરિવારમાં હવે બહુ મારી જવાબદારી નથી રહી ત્યારે હવે પછીની મારી આ જવાબદારી બનાસકાંઠાને અર્પણ કરવા માગુ છુ. તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ ગોપાલકી અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનુ હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડે. આ તકે ગેનીબેને મીડિયા મિત્રોનો પણ ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે આ ચોથી જાગીરનો મારે આભાર માનવો જોઈએ એમણે મારો મામેરાનો ફોટો અલગ રાખ્યો છે.
Input Credit- Atul Trivedi- Palanpur
આ પણ વાંચો: ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી જાહેરાત, 19 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં લે તો…. -જુઓ Video