Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ

Banaskantha News : સમાજના આગેવાન નાથા પટેલ દ્વારા TV9 સમક્ષ જણાવવામાં આવ્યુ હતુ કે, તેમના સમાજ દ્વારા વારંવાર સુધારા કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે પણ આંજણા ચૌધરી સમાજ સુધારણા માટે યોજાયેલી બેઠકમાં સુધારા સૂચવવામાં આવ્યા છે.

Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:17 PM

લગ્ન પ્રસંગોમાં દેખા દેખી અને દેખાડો કરવામાં ખોટા ખર્ચા થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ આંજણા ચૌધરી સમાજે નવી પહેલ કરી છે. સમાજના યુવાઓને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન કર્યું છે. જે યુવકો દાઢી રાખશે તેમની પાસેથી રૂપિયા 51 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો- Surat: માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલમાં જશે રાહુલ ગાંધી, આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા

વધુ સામાજિક સુધારણાની વાત કરીએ તો, મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ નહીં આપનારને રૂપિયા 1 લાખનો દંડ કરાશે. મરણપ્રસંગમાં બારમાના દિવસે કોઈએ નહીં જવું. મહિલાઓએ રૂપિયા ન આપવા અને લેવા પણ નહીં. મરણ પામેલા સગાના ત્યાં વધુ લોકોને ભેગા નહીં થવું. મરણપ્રસંગમાં દીવો બાળવા માટે સગાઓને નહીં બોલાવવા સમાજની પહેલ છે અને પાછળથી રાખવામાં આવતો હાકો બંધ કરવાની સમાજની માગ છે.

કુરિવાજો બંધ કરવા લેવાયા નિર્ણયો

લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ કરવા પર પ્રતિબંધ મુકયો છે. ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવા સમાજની અપીલ છે. લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મુકયો છે. મામેરૂ ભરાય ત્યારે જમાઈને જાહેરમાં કપડા નહીં પહેરવા પણ રૂમમાં જઈને પહેરવા પર ભાર મુકાયો છે. સાથે જ મામેરૂ મીઠું કરવા ન જવું, ચૉરીમાં આવેલા રૂપિયા જાહેરમાં ન ગણવા, ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવા અને ભોજન પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા સમાજે અપીલ કરી છે.

જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સમાજના તમામ લોકોએ સામાજિક સુધારણાને ટેકો આપ્યો હતો. ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમૂહલગ્ન બાબતે સભા યોજાઇ હતી.

સમાજ સુધારણા માટે થઇ વિચારણ-નાથા પટેલ

સમાજના આગેવાન નાથા પટેલ દ્વારા TV9 સમક્ષ જણાવવામાં આવ્યુ હતુ કે, તેમના સમાજ દ્વારા વારંવાર સુધારા કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે પણ આંજણા ચૌધરી સમાજ સુધારણા માટે યોજાયેલી બેઠકમાં સુધારા સૂચવવામાં આવ્યા છે. સમાજના કોઇ માણસના મૃત્યુ પાછળનો ખર્ચ હોય કે પછી કુરિવાજો બંધ કરવા માટેની પ્રેરણા આપવામાં આવે છે. સમાજ શિક્ષણ પર ભાર આપે તે માટેની પણ પ્રેરણા આપવામાં આવી છે. આ વિચારોનું પાલન થશે સમાજ તેની પ્રગતિ કરી શકશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…