અંબાજીમાં પથ્થરમારો, પોલીસ પણ ઇજાગ્રસ્ત, ઘણા લોકો ઘાયલ, જુઓ Video

અંબાજી નજીક પાડલિયા ગામે ફોરેસ્ટ જમીન વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું. સ્થાનિકોએ વન વિભાગ અને પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં અંબાજી PI ગોહિલને તીર વાગતા ગંભીર ઈજા થઈ.

અંબાજીમાં પથ્થરમારો, પોલીસ પણ ઇજાગ્રસ્ત, ઘણા લોકો ઘાયલ, જુઓ Video
| Edited By: | Updated on: Dec 13, 2025 | 8:10 PM

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર રોડ પર ગંભીર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં મામલો હિંસક બની ગયો હતો. સ્થાનિકોએ ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની હતી.

ફોરેસ્ટ અધિકારીઓ પર થયેલા પથ્થરમારા બાદ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અંબાજી પોલીસ તેમજ અન્ય પોલીસ દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પથ્થરમારા દરમિયાન ફોરેસ્ટ વિભાગ અને પોલીસના અનેક કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલાની જાણ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જાણ થતાં અંબાજી પીઆઈ આર.બી. ગોહિલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ પીઆઈ આર.બી. ગોહિલ પર તીર વડે હુમલો કર્યો હતો. કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ પર સતત પથ્થરમારો થતા મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પથ્થરમારા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની અનેક ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું.

સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળતા કેટલાક તત્વોએ સરકારી વાહનો પર પથ્થરમારો કર્યો હતો તેમજ આગચંપી પણ કરી હતી. આ હિંસક ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ પર પોલીસ દ્વારા કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Published On - 8:02 pm, Sat, 13 December 25