
મહેસાણાના બહુચરાજી મંદિર પરિસરમાં ચાલી રહેલા ₹76 કરોડના વિકાસકાર્યમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના પ્રાદેશિક કામોની ગતિ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ધારાસભ્યના નિરીક્ષણ દરમિયાન મંદિરના નિર્માણમાં ખંડિત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રીની ગુણવત્તા તથા નિયમો મુજબ તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય સુખાજી ઠાકોરે કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ખંડિત પથ્થરોના મુદ્દે એજન્સી તરફથી ક્રેન દ્વારા હેન્ડલિંગ દરમિયાન કેટલાક પથ્થરો ડેમેજ થયા હોવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ધારાસભ્યએ આવા પથ્થરોનો ઉપયોગ મંદિરના નિર્માણમાં કરવામાં આવ્યો હોવા અંગે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. યાત્રાધામના વિકાસકાર્યમાં બાંધકામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તેવી માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુણવત્તા જાળવવા અને કામગીરીની દેખરેખ રાખવાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)ની છે. ધારાસભ્યના આક્ષેપ મુજબ, સ્થળ પરની નબળી કામગીરી અંગે PMC સુપરવાઈઝર તરફથી ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવ્યા હતા અને કામ યોગ્ય રીતે ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પણ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી.
બહુચરાજી મંદિરના વિકાસકાર્યમાં ગુણવત્તા અને કામગીરી અંગે ઉઠેલા સવાલોને પગલે યાત્રાધામ વિકાસ બોર્ડે સમગ્ર મામલે તપાસ રિપોર્ટ માંગ્યો છે. હવે તપાસમાં બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, ખંડિત પથ્થરોના ઉપયોગ તેમજ કામગીરીની દેખરેખ અંગેની જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે.
આ પણ વાંચો- Breaking News : આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’, બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ
Published On - 11:41 am, Fri, 2 October 26