18 જાન્યુઆરીના રોજ વડોદરામાં ખાનગી શાળાના બાળકો હરણી લેક ઝોનમાં બોટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બોટ પલટી હતી અને પરિણામે 12 બાળકો સહિત 14 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જે બાદ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે તેવામાં આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.
ત્યારે હરણી લેક ઝોન દુર્ઘટના મામલે તપાસ સમિતિ એ જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર કર્યો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થઈ રહી છે હોવાનું હાઇકોર્ટે જણાવ્યું છે.
સુનવણી ની શરૂઆત દરમિયાન ચીફ જસ્ટીસ ની ખંડ પીઠે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિ નો શીલ બંધ અહેવાલ ખોલ્યો અને ત્યારબાદ રિપોર્ટમાં રજૂ કરાયેલી બાબતો સામે વાંધો ઉઠાવ્યો જેમાં તપાસ સમિતિ અને શહેરી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા કરાયેલી તપાસ મામલે સવાલ ઉઠાવ્યા અને કોર્ટે કહ્યું કે કમિટીનો રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે કમિટી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે એટલું જ નહીં પરંતુ જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર થયો છે તેમાં સમગ્ર દોષ ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે
રિપોર્ટ વાંચ્યા બાદ હાઈકોર્ટે એડવોકેટ જનરલ ને સવાલ કર્યો કે તપાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલો આ અહેવાલ અમારે સ્વીકારવાનો છે કે કેમ અને જો આ રિપોર્ટ સ્વીકારવાનો થાય છે તો પ્રિન્સિપલ સેક્રેટરીની મુશ્કેલી પણ વધી શકે છે જે બાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ તપાસ કમિટીએ રજૂ કરેલ અહેવાલ વાંચવા માટે સમય માંગ્યો જેને ગુજરાત હાઇકોર્ટ ગ્રાહ્ય રાખ્યો અને હવે આ જ મામલે વિગતવાર સુનાવણી ચાર જુલાઈના રોજ હાથ ધરાશે.
મહત્વનું છે કે ગત સુનાવણી દરમિયાન લેક ઝોનમાં બોટિંગ સહિતની પ્રક્રિયાઓનું સંચાલન કરનાર મેસર્સ ને કેવી રીતે ટેન્ડર આપવામાં આવ્યું તે અંગે સવાલ ઉઠાવ્યા હતા અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકો સામે નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું ત્યારે આજે રજુ કરાયેલો રિપોર્ટ જોયા બાદ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે.