Breaking News : ધરોઈ ડેમ સૂકાયો, ખેતરો સુકાવા લાગ્યા, ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું, જુઓ Video

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટ સર્જાયું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ડેમોના તળિયા દેખાવા માંડ્યા છે અને ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે.

Breaking News : ધરોઈ ડેમ સૂકાયો, ખેતરો સુકાવા લાગ્યા, ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું, જુઓ Video
| Updated on: Sep 12, 2026 | 9:17 PM

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ ખેંચાતા પાણીનો વિકટ પડકાર ઊભો થયો છે. ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે અને સંકટ ઘેરું બની રહ્યું છે. સામાન્ય રીતે ભર ઉનાળે પાણીની પોકાર ઉઠતી હોય છે, પરંતુ ભરચોમાસે જળસંકટ સર્જાય તે કુદરતનો માર જ કહી શકાય. ઉત્તર ગુજરાતમાં કોઈપણ ખેતર, ડેમ કે જળાશયની મુલાકાત લેશો તો પાણીની તીવ્ર અછત સ્પષ્ટ દેખાશે.

વરસાદ ખેંચાવાના કારણે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સરેરાશ 737 મિલીમીટર સામે અત્યાર સુધી માત્ર 459.70 મિલીમીટર એટલે કે 62.34 ટકા જ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 2.81 લાખ હેક્ટર સામે 2.57 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન પડતા કપાસ, મગફળી, અડદ અને દિવેલાનો પાક સુકાવાની કગાર પર છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 51.44 ટકા જ બચ્યો છે. ધરોઈ ડેમનું જળસ્તર 608 ફૂટથી નીચે ગયું છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સપ્ટેમ્બર મહિનામાં પ્રથમવાર જોવા મળી રહ્યું છે. છેલ્લા 15 થી 20 દિવસમાં ડેમની સપાટીમાં લગભગ અડધો ફૂટનો ઘટાડો નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં કુલ 3.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, પરંતુ જળાશયોની સ્થિતિ અત્યંત ગંભીર છે. દાંતીવાડા ડેમમાં 25 ટકા પાણી બચ્યું છે, મુક્તેશ્વર ડેમમાં 43 ટકા પાણી બચ્યું છે, જ્યારે સીપુ ડેમમાં તો માત્ર 4 ટકાનો જ જથ્થો બચ્યો છે, જે ખરેખર ખતરાની ઘંટડી સમાન છે. સાબરકાંઠા જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક છે. ગુહાઈ ડેમમાં 56.15 ટકા, હાથમતી ડેમમાં 49.53 ટકા, હરણાવ ડેમમાં 38.94 ટકા અને ખેડવા ડેમમાં 61.98 ટકા જથ્થો બચ્યો છે. વરસાદની દ્રષ્ટિએ તલોદમાં સૌથી વધુ 606 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ખેડબ્રહ્મા અને પોશીનામાં સૌથી ઓછો 308 મિલીમીટર વરસાદ પડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે. મેશ્વો ડેમમાં 62.05 ટકા, વાત્રક ડેમમાં 53.39 ટકા, લાંક ડેમમાં 20.38 ટકા અને જવાનપુરા ડેમમાં માત્ર 1.05 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનનો સરેરાશ 65 થી 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ હજુ પણ વરસાદની ખેંચ છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર અસર વર્તાવા લાગી છે. ઘાસચારાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ઓછું થયું છે. કઠોળના વાવેતરમાં વધારો નોંધાયો છે, જ્યારે દિવેલાનું વાવેતર આ વર્ષે 20 ટકા જેટલું ઘટ્યું છે. જો આગામી અઠવાડિયા દસ દિવસ સુધી વરસાદ નહીં આવે તો પાકની પરિસ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

ઉત્તર ગુજરાતના જળાશયો ખાલી રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પાણીના અભાવે ખેતરમાં ઊભેલો પાક નષ્ટ થવાના આરે છે. આ આર્થિક બરબાદી વચ્ચે ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે કાં તો વરસાદ વરસે અથવા સરકાર તાત્કાલિક ધોરણે નર્મદાની પાઇપલાઇન દ્વારા આ ખાલી ડેમો અને કેનાલોમાં પાણી છોડે. જો નર્મદાનું પાણી નહીં મળે અને આગામી દિવસમાં વરસાદ નહીં પડે, તો વર્તમાન ખરીફ સીઝન નિષ્ફળ જશે અને આગામી રવિ અને ઉનાળુ સીઝન પર પણ ખૂબ મોટું સંકટ ઊભું થશે.

સુરતના આ વિસ્તારોમાં 15 દિવસથી પાણી જ નથી આવ્યું, લોકોમાં રોષનો ભડકો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.