
તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતો આ નિર્ણયને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના તાજેતરના ચુકાદામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ખાણકામને મંજૂરી આપી હતી, જેના કારણે રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જોકે આ બાદ કેટલાક બદલાવો આવ્યા.
હકીકતમાં, તાજેતરમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સમિતિની ભલામણોને સ્વીકારીને, અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા જાહેર કરી. તેણે નિષ્ણાતોનો અહેવાલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારમાં નવા ખાણકામ લીઝ આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો. તેણે સરકારને ખાણકામ યોજના વિકસાવવાનો પણ નિર્દેશ આપ્યો.
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાણકામની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો આ નિર્ણય આગમાં ઘી સમાન સાબિત થયો છે. ચુકાદા મુજબ 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાણકામ કરી શકાય છે. આ નિર્ણય ખાસ કરીને રાજસ્થાન અને અરવલ્લી પર્વતમાળા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ ચુકાદો અમલમાં આવશે, તો રાજ્યમાં રણીકરણનો વિસ્તાર વધી શકે છે.
અરવલ્લી પર્વતમાળાને રાજસ્થાનની જીવનરેખા માનવામાં આવે છે, પરંતુ હવે આ જીવનરેખા જોખમમાં છે. પર્યાવરણ મંત્રાલયના અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે અરવલ્લી પર્વતમાળા ધીમે ધીમે સંકોચાઈ રહી છે. અહેવાલ મુજબ, અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90 ટકા ભાગ 100 મીટરથી ઓછો ઊંચો છે. પરિણામે, 100 મીટરથી નીચેના વિસ્તારોને હવે અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણવામાં નહીં આવે, જે ખાણકામ માટે માર્ગ ખોલી શકે છે.
પર્યાવરણ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા અહેવાલ બાદ ચિંતા વધુ ઊંડી બની હતી. જો 100 મીટરથી નીચેના વિસ્તારોમાં મોટા પાયે ખાણકામ શરૂ થાય, તો રાજ્યમાં રણીકરણ વધવાનો ભય ઊભો થશે. અરવલ્લી પર્વતમાળા રણના વિસ્તરણને અટકાવવાની કુદરતી ઢાલ તરીકે કામ કરે છે. તેની ઊંચાઈમાં ઘટાડો થવાથી રાજ્યની ચોમાસા પ્રણાલી પર ગંભીર અસર પડી શકે છે. વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે રણનો વિસ્તાર વધવાનો ખતરો વધી શકે છે.
અરવલ્લી પર્વતમાળા માત્ર એક પર્વતશ્રેણી નથી, પરંતુ રાજસ્થાનની ઓળખ અને જીવનરેખા છે. તેને વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ 692 કિલોમીટર છે, જેમાંથી લગભગ 550 કિલોમીટર વિસ્તાર રાજસ્થાનમાં આવેલો છે. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુ પર આવેલું ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1727 મીટર છે. આ પર્વતમાળા દિલ્હી NCRથી શરૂ થઈને રાજસ્થાન અને ગુજરાતના પાલનપુર સુધી વિસ્તરે છે. રાજસ્થાનની મોટાભાગની નદીઓનો ઉદ્ભવ પણ અરવલ્લી પર્વતમાળામાંથી થાય છે.
અરવલ્લી પર્વતમાળાના વિનાશથી રાજ્યમાં અનેક ગંભીર પરિણામો સામે આવી શકે છે. રણીકરણનો વિસ્તાર વધી શકે છે, ગરમ પવનોની અસર વધુ તીવ્ર બનશે, અને બંગાળની ખાડીમાંથી આવતાં ચોમાસાના પવનો રાજ્યમાં પૂરતો વરસાદ લાવી શકશે નહીં. ભૂકંપની સંભાવનાઓ વધશે, નદીઓ સુકાઈ જશે, કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડશે અને રાજ્યની ભૌગોલિક તથા આબોહવાની પરિસ્થિતિમાં મોટો ફેરફાર થશે.
રાજસ્થાન યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અને પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અરવલ્લી પર્વતમાળાની ઘટતી ઊંચાઈ રાજ્યની વરસાદી પ્રણાલીને અસર કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસાના પવનો ઝડપથી દિશા બદલી રહ્યા છે. અગાઉ જે પવનો અરવલ્લી સાથે અથડાઈને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ લાવતા હતા, તે હવે પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. પરિણામે રાજ્યની સમગ્ર વરસાદી વ્યવસ્થા અસંતુલિત બની રહી છે.
1990ના દાયકાથી અરવલ્લી પર્વતમાળાનું ધોવાણ શરૂ થયું અને સમય જતાં તેની ગતિ વધી. દિલ્હી અને રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં ઝડપી વિકાસ અને બાંધકામ કાર્યોને કારણે પર્વતમાળાનું અંધાધૂંધ શોષણ થયું. પથ્થરો અને ખનિજોની માંગ વધતા ખાણકામ વધી ગયું. વૃક્ષોની અછતના કારણે અરવલ્લી વધુ નબળી બની. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 2002માં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદેસર ખાણકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
Published On - 9:16 pm, Fri, 19 December 25