
થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે. વાત એમ છે કે, અમદાવાદની ખ્યાતનામ ‘વી. એસ. હોસ્પિટલ’નું મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતીદેતી હતી.
હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે, થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ. મનિષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાઈ રહ્યું છે. સૂત્રો મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું. બીજું કે, ‘વી. એસ. હોસ્પિટલ’માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો અને લાખો રૂપિયા લઇને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવામાં આવતો હતો. જો કે, આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ બહાર આવ્યો છે. ખુલાસો એમ છે કે, એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ એઠ્યા હતા. રિસર્ચના બદલામાં જે રૂપિયા મળતા તે તબીબોના પરિવારજનોને અને સંબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેના થકી કૌભાંડને અંજામ અપાતો હતો. તદુપરાંત એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, આ કૌભાંડમાં સુપરિન્ટેન્ડન્ટ અને ડીનનો પણ હાથ છે.
હાલ તો સમગ્ર મામલો સામે આવ્યો છે જેને લઈને ઘણા બધા પ્રશ્નો હોસ્પિટલ પર અને તેના મેનેજમેન્ટ પર થઈ રહ્યા છે. જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની શક્યતા છે.
ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ.રોહન શાહ (ENT), ડૉ.કૃણાલ સથવારા (સર્જિકલ), ડૉ.શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ), ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ) અને ડૉ.કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. હવે આ રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરિક્ષણ થાય છે. પરીક્ષણ બાદ જો સફળતા મળે છે તો તેના પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે. ત્યારબાદ માણસો પર ટ્રાયલ કરવા માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા અપાય છે અને દવા આપ્યા બાદ તેના રિપોર્ટની નોંધ થાય છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને છેલ્લે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ થઇ શકે છે.