ગુજરાતની તમામ પાલિકાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે, આ ઢોરને કારણે કેટલાય લોકોએ પોતાન જીવ પણ ગુમાવ્યા છે. શ્વેત નગરી તરીકે ઓળખાતા આણંદમાં પણ રખડતા ઢોરોની આવી જ સ્થિતિ છે. જેની સામે વહીવટી તંત્ર રખડતા ઢોરોના નિકાલની કામગીરીમાં પાછા પડ્યા હોય તેવી સ્થતિ ઉભી થઇ છે. દૂધ નગરી તરીકેની ઓળખ ધરાવતા મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરના આતંકમાં વધારો થઇ રહયો છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે ત્રાસ અમુલ ડેરી રોડ , મોટી શાક માર્કેટ વિસ્તાર, જુના બસ સ્ટેન્ડ વિસ્તાર, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, ટાઉનહોલ રોડ પર જોવા મળે છે. આ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જ ઢોર જોવા મળે છે.
અવાર નવાર આણંદના મુખ્ય રસ્તાઓની મધ્યે રખડતા ઢોર ઝગડતા હોવાથી વાહન ચાલકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે જોકે પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતુ નથી. કારણ કે, રખડતા ઢોરની ફરિયાદો પાલીકા તંત્ર ને કરવામાં તો આવે છે પણ પાલિકા તંત્ર માત્ર દેખાડો કરવા પૂરતા ઢોરને પકડી ને છોડી મૂકે છે. આણંદ શહેરમાં દિન પ્રતિદિન વધેલા રખડતા ઢોરનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તે માટે આણંદ પાલિકાના સત્તાઘીશો કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ હોવા છતાં પણ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રા પોઢી ગયું હોય તેમ જણાઈ આવે છે.
આણંદ શહેરમાં મહત્વની ગણાતી અમુલ ડેરી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની મુખ્ય કચેરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સમગ્ર દેશની મુખ્ય મથકની ઓફિસો સહીત આણંદ કૃષિ યુનિવર્સીટી જેવી સંસ્થાઓ આવેલી છે, સામાન્ય રીતે આણંદમાં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે તંત્ર દ્વારા તમામ સ્થળો પરથી રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં હંગામી સમય સુધી મૂકી દેવાની કામગીરી તો કરવામાં આવે છે. અને બાદમાં ઢોરને છુટા મૂકી દેવામાં આવે છે.
આ પણ વાંચો : બોરસદમાં સમી સાંજે કરિયાણાના વેપારી સાથે લૂંટ, પ્રતિકાર કરતા લુંટારુંએ વેપારી પર કર્યો ચાકુ વડે હુમલો
પાલિકા તંત્ર રખડતા ઢોરને પકડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ ખર્ચ માત્ર કાગળ પૂરતો જ રહી જાય છે. કારણ કે રસ્તામાંથી પકડવામાં આવેલ ઢોરને કાયમી ધોરણે પાંજરાપોળ માં મૂકી શકાતું નથી તેથી પકડાયેલ પશુઓના માલિકો સામાન્ય દંડ ભરી પોતાનું પશુ છોડાવી એક બે દિવસ નિયમનું પાલક કરી ફરી તેમના ઢોરને રોડ પર રખડતા મૂકી દે છે, ત્યારે દૂધ નગરીના નાગરિકોનો તંત્ર ને એક જ સવાલ છે કે, રોડ પરથી રખડતા ઢોરના ત્રાસમાંથી અમને મુક્તિ મળશે ખરી ?
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:26 am, Fri, 7 April 23