Umreth Assembly By Polls Result 2026: ઉમરેઠની પેટાચૂંટણીમાં ભાજપની 33 હજારથી વધુ મતોથી જીત, કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની 23મી એપ્રિલના રોજ પેટાચૂંટણી ઓજાઈ હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ જોવા મળ્યો હતો. જેને કારણે રાજકીય માહોલ પણ ગરમાયો હતો.

| Updated on: May 04, 2026 | 12:40 PM

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની 23મી એપ્રિલના રોજ પેટાચૂંટણી ઓજાઈ હતી. ઉમરેઠની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના હર્ષદ પરમારે કોંગ્રેસને હરાવી ઉમરેઠની બેઠક જીતી છે. હર્ષદ પરમારે 33 હજારથી વધુ મતોની જીત મેળવી છે. કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજ સિંહ ચૌહાણની ચૂંટણીમાં હાર થઈ છે.

મતગણતરીનું આયોજન અને સુરક્ષા

આણંદની બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે આજે 4 મે 2026ના સવારે 8:00 કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી. ત્યારબાદ EVMમાં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે કાઉન્ટિંગ સુપરવાઇઝર, મદદનીશ અને માઈક્રો સુપરવાઇઝર સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજ બજાવી.

ધારાસભ્યના નિધનથી ખાલી થઇ હતી બેઠક

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ 82 વર્ષની વયે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગોવિંદભાઈ પરમાર પહેલી વાર 2017માં આ બેઠક પરથી ચૂંટાયા હતા અને 2022માં ફરીથી ચૂંટાયા હતા.

મુખ્ય મુકાબલો

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર કુલ 59.03% મતદાન નોંધાયું હતું. મેદાનમાં કુલ 6 ઉમેદવારો હતા.  ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ ઉભા હતા. જનતા દળના મૌલિક શાહ અને અપક્ષ તરીકે જીતેશ સેવક, નિરૂપા માધુ અને મહેન્દ્ર પરમાર પણ મેદાનમાં ઉતર્યા હતા.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ હતો

ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર મેદાનમાં ઉતર્યા હતા, તો કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને ઉતર્યા હતા. બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. જોકે આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો. મતદાન માટે કુલ કુલ 2 લાખ 45 હજાર 623 મતદારો હતા. જેમાં 1 લાખ 26 હજાર 545 પુરુષ મતદારો અને 1 લાખ 19 હજાર 72 મહિલા મતદારો હતા. આ ઉપરાંત કુલ 1 હજાર 546 જેટલા દિવ્યાંગ મતદારો પણ હતા. 4 હજાર 174 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરવાના હતા. જ્યારે 1 હજાર 556 સુપર સિનિયર સિટિઝન મતદારો હતા. ઉમરેઠ વિધાનસભા બેઠકમાં કુલ 46 ગામ અને પાલિકાઓનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 એમ કુલ 306 મતદાન મથકો બનાવવામાં આવેલા હતા. ચૂંટણી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Assembly Election Results 2026 LIVE: ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી, મમતા બેનર્જી, સ્ટાલિન અને પિનરાયી વલણોમાં ચાલી રહ્યા છે પાછળ

Published On - 12:37 pm, Mon, 4 May 26

Follow Us