કોરોના (Corona)ની ત્રીજી લહેર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો 280% ની ઝડપે વધી રહયા છે. કેસો વધતા રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. પરંતુ આ બધા સંકટના સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે ત્રીજી લહેર (third wave)માં કોરોના દર્દીઓ (Corona patients)નો હોસ્પિટલમાં એડમિટ થવાનો રેસિયો માત્ર 4% છે. જેનુ કારણ રસીકરણને માનવામાં આવે છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ નહિવત દાખલ થઈ રહ્યા છે અને નહિવત લોકોને ઓકસીજન કે વેન્ટિલેટર પર લઈ જવા પડે છે. ભાવનગરમાં જે લોકોએ રસીના એક કે બંને ડોઝ લઇ લીધા છે તેમને કોરોના ભલે થયો હોય પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ જોવા નથી મળી રહી.
હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દર્દીઓએ રસી મુકાવી હોવાના કારણે હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહયા છે. જે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને પણ ઓકસીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત ઊભી નથી થઇ.
ભાવનગરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળીને કુલ માત્ર 28 દર્દીઓ જ સારવાર હેઠળ છે. કોરોના સામે રસી હકીકતમાં ત્રીજી લહેર સામે લડવામાં લોકોને મદદરૂપ બની રહી છે.
બીજી તરફ ભાવનગરની સર.ટી.હોસ્પિટલનું ખૂબ સાબદુ બની ત્રીજી લહેર સામે તૈયારી સાથે કામ કરી રહ્યું છે. હાલ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં તંત્રએ 1030 ઓકસીજન બેડ,187 વેન્ટીલેટર બેડ, સ્પે. 20 બેડનો ઓમીક્રોન વોર્ડ સહિતની તૈયારી કરી છે. હોસ્પિટલ દ્વારા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઇ હોવા છતાં હોસ્પિટલ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં પહોંચે છે.
મહત્વનું છે કે 18 જાન્યુઆરીના રોજ ભાવનગરમાં કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે અને છેલ્લા થોડા દિવસથી 100ની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ભાવનગરમાં નાગરિકોએ મોટી સંખ્યામાં રસીકરણ કરાવી દીધુ છે. જેના પગલે લોકોને ત્રીજી લહેરમાં પણ હાલાકીનો સામનો નથી કરવો પડી રહ્યો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 7:00 am, Wed, 19 January 22