
અમરેલીમાં ધારતવરડી ડેમમાંથી પીવાના પાણીની પાઈપલાઈન નાખવા માટેની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. એક તરફ કોન્ટ્રાક્ટરે રોડ આડેધડ ખોદી નાખતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતા કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળવા તૈયાર નથી. પાઈપલાઈન નાખવા માટે એક સાઈડથી રોડ પર મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે અને રસ્તા પર કોઈ ચેતવણીના બેરિકેડ્સ પણ મુકવામા આવ્ય નથી. જેના કારણે અકસ્માતો વધ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર માથાભારે હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. આડેધડ રોડ ખોદી નાખવાને કારણે મોટી ગટરની સાથે માર્ગ મકાન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યુ છે. છતા કોઈ કાર્યવાહી નહીં કરાતા ભારે નારાજગીનો માહોલ આ વિસ્તારમાં ઉભો થયો છે.
અનેક રજૂઆતો બાદ GUDC વિભાગના વી.સી.પ્રોજેકટ એન્ડ ઇનફા પ્રા.લી નામની ખાનગી કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ પોતાના મનસ્વી વર્તનના કારણે વધુ વિવાદ વધ્યો છે કોન્ટ્રાકટરની ગંભીર ભૂલ હોવાથી અકસ્માતોની ઘટના વધી રહી છે વાહન ચાલકો સહિત ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ આ રજૂઆતો કોન્ટ્રાકટર દ્વારા નહિ સાંભળતા રાજુલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશ પટેલ દ્વારા આ મુદ્દો રાજય સરકારના મુખ્યમંત્રી સુધી પોહચાડવા આવ્યો છે જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે.
કોન્ટ્રાકટર દ્વારા માર્ગ મકાન વિભાગના માર્ગને નુકસાન કરતા રાજુલા માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થળ ઉપર વિજીટ કરી GUDC વિભાગને નોટિસ ફટકારી કામગીરી બંધ કરવા સૂચના આપી હોવા છતા આજ સુધી કોઈ પાલન કરતું નથી. ત્યારે સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર પર કોની મીઠી નજર છે કે તે ગાંઠતો નથી અને મનસ્વી રીતે વર્તી રહ્યો છે.