અમરેલીના ધારસભ્ય કૌશિક વેકરિયાને તેમના જ કોઈ હિતશત્રુ દ્વારા બદનામ કરવાના કાવતરામાં નક્લી લેટર પેડ વાયરલ કરવામાં આવ્યુ હતુ. આ લેટરકાંડ માં પોલીસે એક યુવતી સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આ કાંડમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પાંચેય આરોપીઓને લઈને ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સ પહોંચી હતી. આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રતાપ દૂધાતે આરોપ લગાવ્યો કે પોલીસે કોઈપણ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતી પાટીદારની દીકરીને બદનામ કરી છે. દીકરીનું સરઘસ કાઢી પોલીસે એક અપરિણિત યુવતીની આબરુની ધજાગરા કર્યા છે. પ્રતાપ દૂધાતે આરોપ લગાવ્યો કે જે દીકરી જિંદગીમાં ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયા ચડી નથી તેનુ જાહેરમાં સરઘસ કાઢ્યુ. દીકરી જોડે આ પ્રકારનું વર્તન અયોગ્ય છે.
પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પણ આ બાબતે પત્ર લખ્યો છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રતાપ દૂધાતે જણાવ્યુ કે લેટરકાંડમાં જે દીકરીને આરોપી બનાવાઈ છે તે તો માત્ર ઓપરેટર છે, તેની પણ પોલીસે ધરપકડ કરી. રાત્રે 12 વાગ્યા બાદ કોઈપણ મહિલાની બંધારણ મુજબ ધરપકડ ન કરી શકાય પરંતુ પોલીસે તમામ નિયમોને ઘોળીને પી ગઈ અને દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. અમરેલીમાં અનેક રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેમને પોલીસ પકડતી નથી અને મહિલાઓને ખોટી રીતે બદનામ કરી રહી છે.
આ તરફ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ પણ પ્રતાપ દૂધાતના પત્રનું સમર્થન કર્યુ અને તેમણે અન્ય અગ્રણીઓને ઉદ્દેશીને કહ્યુ કે તમામ હોદ્દાઓ બાજુમાં મુકી સમાજ માટે સામે આવવુ જોઈએ. કોઈ દીકરી જોડે આ પ્રમાણેનું વર્તન ગુજરાત માટે કલંક સમાન ઘટના છે. કથિરીયાએ જણાવ્યુ કે જે દીકરીએ ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયા ચડી નથી તેનુ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યુ. જે બિલકુલ યોગ્ય નથી. તેમણે કહ્યુ પોલીસ આ દીકરીને સાક્ષી તરીકે પણ લઈ શક્તી હતી. ધરપકડ કરવાની જરૂર જ ન હતી. દીકરીએ તેના કામના ભાગરૂપે જેમ કહ્યુ તેમ લેટર ટાઈપ કરી આપ્યો. તેમા દીકરીને ક્યા આરોપી બનાવવાની જરૂર હતી. આ દીકરી માટે સમાજના અગ્રણીઓએ દીકરીની વ્હારે આવવુ જોઈએ
આ લેટરકાંડમાં દિનેશ બાંભણિયાએ પણ અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા દીકરીની ધરપકડને અયોગ્ય ગણાવી. તેમણે જણાવ્યુ કે આ સમગ્ર ઘટના રાજકીય છે જેમા વરઘોડા કાઢવા જોઈએ નહીં. તેમણે કહ્યુ રીઢા ગુનેગારો, બુટલેગરોના સરઘસ કાઢો પરંતુ નોકરી કરતી દીકરીને આરોપી બનાવી તે નીંદનીય છે. દીકરીએ મુખ્ય આરોપીના કહેવાથી પત્ર ટાઈપ કર્યો હતો. દીકરીનો કોઈ ક્રિમીનલ રેકોર્ડ નથી. આ સાથે બાંભણિયાએ કહ્યુ અમે દીકરીના પરિવારને મળવા જઈશુ.
આ સમગ્ર વિવાદમાં લલિત કગથરાએ પણ ઝૂકાવ્યુ છે તેમણે સવાલ કર્યો કે 6000 કરોડનું ફુલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલનું કેમ સરઘસ કાઢતા નથી. તેમણે જણાવ્યુ કે કોઈ ચમરબંધીના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે.
અમરેલી શહેર ભાજપ પ્રમુખના નક્લી લેટર પેડથી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કિશોર કાનપરીયાએ પોલીસને ફરિયાદ કરી હતી. જેમા પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ સૌપ્રથમ વાર આરોપી મનીષની ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી મનિષ વઘાસિયાએ બનાવટી લેટરપેડ કુરિયર કર્યા હતા. કુરિયર મારફતે લેટરપેડ મોકલ્યા હતા. હાલ પોલીસે વધુ કેટલા બનાવટી લેટર પેડ બનાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે તેમના કાર્યાલય સહિત ઘરે પણ તપાસ શરૂ કરી છે. કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે જે પાંચ આરોપીની ધરપકડ કરી છે તેમા એક યુવતીનો પણ સમાવેશ છે. હાલ યુવતીની ધરપકડ મુદ્દે રાજકારણમાં ગરમાયુ છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પણ પાટીદાર છે અને આરોપી પણ પાટીદાર છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા પાટીદાર કાર્ડ ખેલવામાં આવ્યુ છે.
Input Credit- Baldev Suthar- Surat, Ravindra Bhadoria- Gandhinagar
Published On - 4:57 pm, Wed, 1 January 25