અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ ઠારવા બેઠકનો દોર, મારામારીને લઈને હકુભા જાડેજાએ કહ્યું, નારાજગીની નથી કોઈ વાત

અમરેલી લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને લઈને ઉઠેલા અસંતોષની આગને ઠારવા ભાજપે બેઠકનો દૌર શરૂ કર્યો છે. મારામારીની ઘટના બાદ ડેમેજ કંટ્રોલ માટે જિલ્લા પ્રભારી હકુભાને અમરેલી દોડાવાયા છે. હકુભા જાડેજાએ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે બેઠક કરી હતી. ત્યારે બેઠકમાં સમાધાન પર સહમતી સધાઈ હોવાની ચર્ચા છે.

| Edited By: | Updated on: Mar 31, 2024 | 11:35 PM

અમરેલીમાં ગત રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા જિલ્લા પ્રભારીએ બેઠકનો દૌર શરૂ કર્યો છે. ડેમેજ કંટ્રોલ માટે અમરેલી જિલ્લા પ્રભારી હકુભા જાડેજાએ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. અમરેલીના પ્રભારી હકુભા જાડેજાએ પહેલા સાંસદ નારણ કાછડિયાના નિવાસસ્થાને બેઠક યોજી હતી જે બાદ સહકારી બેંકમાં દિલીપ સંઘાણી સાથે બેઠક યોજી હતી.

હકુબા જાડેજાએ બંધ બારણે કરી બેઠકો

બેઠકમાં સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ તરફથી સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કરાયો છે. મારામારીના પ્રકરણમાં સંડોવાયેલા સામે પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં છે. જો સંડોવણીના પુરાવા મળશે તો જવાબદાર કાર્યકરને સસ્પેન્ડ પણ કરાઇ શકે છે. વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે.

ભૂપેન્દ્ર ચુડાસમા બાદ બીજા પ્રભારી હકુભાને અમરેલી દોડાવવા પડ્યા

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે અમરેલી સૌથી વધુ હોટ બેઠક બની ગઈ છે. અહીં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભારે વિરોધ થઇ રહ્યો છે અને ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ રીતે ભરત સુતરિયાનો છેદ ઉડાડવાની માગ કરાઇ છે. ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડાવવામાં આવ્યા હતા. અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. જોકે ઉમેદવાર નહીં બદલાય તેવા દાવાના એક કલાકમાં મોડીરાત્રે ભાજપના જ બે જૂથ બાખડ્યા. જે કાર્યકરે ઉમેદવાર બદલવાની માગ કરી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હજી તો માંડ આ વિવાદ શમ્યો હતો ત્યાં જ પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત કાનાબારની એક પોસ્ટે રાજકીય વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ ભરતભાઇ કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બળાપો વ્યક્ત કર્યો. જેમા તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા લખ્યુ છે કે

“રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો ‘પોથીમાંના રિંગણા’બનીને રહી ગઈ છે”

“સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ બૉમ્બ છે જે મેરીટ- ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે”

“ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ”

“આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ??”

આ પોસ્ટ બાદ વિવાદ વધુ વકર્યો હોવાની ચર્ચા છે. હાલ તો અમરેલી બેઠક ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. એક તરફ રૂપાલાનો વિવાદ શમ્યો નથી તો બીજી તરફ સૌરાષ્ટ્રની અમરેલી બેઠક ભાજપ માટે લોઢના ચણા ચાવવા જેવી બની છે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: અમદાવાદમાં રમાઈ રહેલી IPLમાં મતદાન અભિયાને જમાવ્યુ આકર્ષણ, સ્ટેડિયમમાં મતદાન જાગૃતિ માટે મુકાયા આકર્ષક સ્ટેન્ડી બેનર્સ- જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો