ડીજીપીના આદેશ બાદ અમરેલી જિલ્લામાં પણ ગુનાહિત રેકર્ડ ધરાવતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમરેલીમાં 24 કલાકથી જિલ્લા SP સંજય ખરાતે દરેક ડી.વાય.એસ.પી.થાણા અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂચનાઓ આપ્યા બાદ આજે 113 લોકોનું લિસ્ટ અમરેલી SP સંજય ખરાત પાસે પોહચ્યું છે. આ લિસ્ટમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા ઈસમો છે. જેમાં 74 લોકો શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલા છે અને 34 લોકો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે આ લોકો વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 ઈસમો અંગે ચેકીંગ કરતા ગેરકાયદેસર પીજીવીસીએલનું કનેક્શન હોવાથી પીજીવીસીએલને સાથે રાખી કનેક્શન કટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના આઇપીએસ એ.એસ.પી.જયવીર ગઢવીએ કહ્યું ડીજીપીએ જાહેર કરવામાં આવેલ ગુંડા તત્વો નું 100 કલાકમાં લિસ્ટ તૈયાર કરવાનું હતું. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 113 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 70 ગુનેગારો શરીર સંબંધિત ગુન્હાઓ ધરાવે છે, 34 જેટલા ઈસમો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, આ તમામ વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરીમાં સંકળાયેલા લોકોનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ પ્રશાસન, આર.ટી.ઓ.વિભાગ, વીજળી વિભાગ અને બેન્ક સાથે સંકલનમાં રહી આવા આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે નાગેશ્રી વિસ્તારમાં 4 લોકો પાસે ગેરકાયદેસર વીજ કનેકશન હતું, જેમાં વીજ વિભાગની મદદથી કટ કરવામાં આવ્યું છે. તેની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, આવા જેટલા પણ લોકો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો ગુંડા તત્વોમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત ગુના વગરના કેટલાક માથાભારે ઈસમો ગેરકાયદેસર દબાણ ઉપર કબજો કર્યો હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તેનું પણ લિસ્ટ બની શકે છે.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 5:41 pm, Tue, 18 March 25