
અમરેલી જિલ્લાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ પ્રકાશચંદ્ર તરીકે થઈ છે. ઘટના બાદ વન વિભાગ અને પોલીસ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને અનેક પાસાઓની તપાસ ચાલી રહી છે.
ઘટના બાદ મૃતક પ્રકાશચંદ્રના શિકાર પહેલાંના અનેક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્ર કોલોની વિસ્તારની વિવિધ ગલીઓમાંથી પસાર થતો જોવા મળે છે. તપાસમાં સામે આવ્યું છે કે તે ખાનગી કંપનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે ઉત્તરાખંડ જવા માટે નીકળ્યો હતો.
મધરાતનો સમય હોવાથી કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પ્રકાશચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડે તેને અડધી રાત્રે બહાર ન જવા અને સવાર સુધી રાહ જોવાની વિનંતી પણ કરી હતી. જોકે પ્રકાશચંદ્રે પોતાની મુસાફરી ચાલુ રાખી હતી અને કંપનીમાંથી નીકળી ગયો હતો.
સામે આવેલા CCTV ફૂટેજમાં પ્રકાશચંદ્ર એકથી વધુ ગલીઓમાંથી પસાર થતો નજરે પડે છે. રસ્તામાં એક સ્થળે તે લઘુશંકા કરવા માટે પણ ઊભો રહ્યો હતો. આ સમગ્ર ઘટના પણ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ત્યારબાદ તે આગળ વધતો જોવા મળે છે.
તપાસમાં સામે આવ્યું છે કે જ્યાં પ્રકાશચંદ્ર છેલ્લે CCTVમાં દેખાયો હતો ત્યાંથી અંદાજે અડધો કિલોમીટર દૂર તેના પર સિંહે હુમલો કર્યો હતો. મધરાતના સમયે સાવજના હુમલામાં યુવક પોતાનો બચાવ કરી શક્યો નહોતો. હુમલો એટલો ભયાનક હતો કે સિંહે તેના શરીરના મોટા ભાગને આરોગી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટના બાદ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી છે. CCTV ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનાના પગલે કોવાયા ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રાત્રિના સમયે સુરક્ષાની વધુ વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. વન વિભાગે લોકોને ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઘટના બાદ વન વિભાગ દ્વારા વિસ્તારના સિંહોની હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને આસપાસના ગામોમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે અને અધિકારીઓ દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- Rajkot Breaking News: શાપર વેરાવળમાં કરોડોની લૂંટ, 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી આયોજનબદ્ધ રીતે ઘટનાને અપાયો અંજામ
Published On - 11:37 am, Sat, 20 June 26