
ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
વધુમાં, તારીખ 24 થી 26 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ સિસ્ટમના લીધે ગોધરા, લુણાવાડા અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે, જે મુજબ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદના એંધાણ છે, જ્યારે કચ્છ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તથા બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદની શક્યતા રહેશે. આ નવી સિસ્ટમ ક્ષેત્રે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં, નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ વાત એ છે કે, અરેઠના મુજલાવ-બોધનથી પસાર થતી ખાડીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે.
આ સાથે જ વાવ્યા ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય મથક સુધી પહોંચવા માંડવી, અરેઠ, બારડોલી તાલુકાના લોકોએ 15 થી 20 કિમી ફેરાવો ફરવો પડશે.