
ગત 12 જૂનના રોજ અમદાવાદમાં તુટી પડેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ માટે, આ ગોઝારો અકસ્માત તેના જીવનનો સૌથી મોટો સંઘર્ષ બની ગયો છે. તેઓ હવે આ ભયાનક દુર્ઘટનામાંથી બહાર આવવા માટે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે. તેના પિતરાઇ ભાઇએ માહિતી આપી કે, વિશ્વાસ કુમાર આ આઘાતમાંથી બહાર આવવા માટે નિયમિતપણે મનોચિકિત્સકની સલાહ સારવાર લઈ રહ્યો છે.
આ ઘટના ત્યારે બની, જ્યારે એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ ક્રેશ થયું. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક 40 વર્ષીય વિશ્વાસ, આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો, જેમાં તેનો ભાઈ અજય પણ સામેલ હતો, મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, જમીન પર રહેલા 19 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતે વિશ્વાસનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
વિશ્વાસના પિતરાઈ ભાઈ સનીએ કહ્યું, “અકસ્માતની ભયાનક યાદો, ચમત્કારિક બચાવ અને ભાઈ ગુમાવવાનું દુઃખ હજુ પણ વિશ્વાસને અંદરથી હચમચાવી નાખે છે. વિદેશમાં રહેતા અમારા સંબંધીઓ વિશ્વાસની સ્થિતિ જાણવા માટે વારંવાર ફોન કરે છે. પરંતુ તે કોઈની સાથે વાત કરતો નથી. તે હજુ પણ તે અકસ્માત અને તેના ભાઈના મૃત્યુના આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. તે હજુ પણ રાત્રે અચાનક જાગી જાય છે અને ફરીથી ઊંઘી શકતો નથી. બે દિવસ પહેલા, અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા જેથી સારવાર શરૂ થઈ શકે.
વિશ્વાસના પિતરાઈ ભાઈએ વધુમાં કહ્યું, “તેણે હજુ સુધી લંડન પાછા જવાનો કોઈ નિર્ણય લીધો નથી, કારણ કે સારવાર પ્રક્રિયા હમણાં જ શરૂ થઈ છે. 17 જૂને, વિશ્વાસને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે જ દિવસે, તેના ભાઈ અજયનો મૃતદેહ, ડીએનએ ટેસ્ટ પછી પરિવારને સોંપવામાં આવ્યો હતો.
વિશ્વાસ અને અજય દીવમાં તેમના પરિવારને મળ્યા પછી, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જવા રવાના થયા, જે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આવે છે. અકસ્માતની થોડી મિનિટો પછી એક સ્થાનિક વ્યક્તિ દ્વારા શૂટ કરાયેલ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, કુમાર કાટમાળમાંથી એમ્બ્યુલન્સ તરફ દોડતો જોઈ શકાય છે. પરંતુ વિશ્વાસ માટે તે ભયાનક દ્રશ્યની યાદોને ભુલાવી દેવાનું વધુ મુશ્કેલ બનશે.
Published On - 9:45 am, Sun, 13 July 25