અમદાવાદઃ ક્રિકેટના સટ્ટામાં હાર્યા બાદ ચોરીમાં ફાવટ આવી જતાં ગોડાઉન ભાડે રાખવા પડ્યા

ક્રિકેટ સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા યુવક ચોરીને રવાડે ચડ્યો. પહેલા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા મોટરસાયકલ ચોરી કરી રેપીડો સર્વિસમાં પેસેન્જરના ભાડા કરતો. પેસેન્જરને મુકવા જતા એક બંધ મકાન જોતા ચોરી કરવાનું નક્કી કર્યું. જે બાદ ચોરીમાં ફાવટ આવી જતા અનેક ચોરીઓને અંજામ આપ્યો.

અમદાવાદઃ ક્રિકેટના સટ્ટામાં હાર્યા બાદ ચોરીમાં ફાવટ આવી જતાં ગોડાઉન ભાડે રાખવા પડ્યા
પોલીસે ઝડપી લીધો આરોપી
| Edited By: | Updated on: Mar 22, 2024 | 10:13 AM

અમદાવાદના મણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકર માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11.80 લાખનાં મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિકોલ વિસ્તારમાં રહેતા પરેશ સોનીની ધરપકડ કરી છે. પોલીસે પરેશ સોનીની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ અગાઉ ફ્લેટમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના, કપલ વોચ, વિદેશી ચલણી નાણું, મોબાઈલ ફોન, ઈમીટેશન જ્વેલરી, અલગ અલગ કંપનીના લેપટોપ, ચોરી કરવાના સાધનો, ચોરી કરેલું એકટીવા સહિત સાત લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે આરોપી પરેશ સોનીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી પરેશ વસ્ત્રાલ વિસ્તારમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે અને છેલ્લા ચાર મહિનામાં મણીનગર, વટવા, નવરંગપુરા, શાહપુર, રામોલ, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાંથી અલગ અલગ બાર જેટલી ચોરીઓ ને અંજામ આપ્યો હતો.

સટ્ટામાં દેવું થતા ચોરીના રવાડે ચડ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરેશ સોનીને ક્રિકેટ સટ્ટામાં 15 લાખ જેટલું દેવું થઈ ગયું હતું અને તેની પાસે કોઈ કામ ધંધો હતો નહીં. પોતાના પરિવારનું ગુજરાન પોતા ઉપર જ ચાલતું હતું જેથી તેણે શરૂઆતમાં એક મોટરસાયકલ ની ચોરી કરી જે મોટરસાયકલ દ્વારા તે રેપીડો સર્વિસમાં પેસેન્જરના ભાડા કરતો હતો.

એક દિવસ તે પેસેન્જરને મુકવા જતો હતો ત્યારે બંધ મકાન જોયું હતું અને આજુબાજુ કોઈ નહીં હોવાથી મકાનમાં ચોરી કરવાનું તેણે નક્કી કર્યું હતું. જે બાદ તેને ચોરીના કામમાં ફાવટ આવી જતા તે બંધ મકાનને ટાર્ગેટ કરતો અને લોક તથા નકુચાઓ તોડી ચોરીઓને અંજામ આપતો હતો.

ચોરીના સામાન માટે ગોડાઉન રાખ્યા

પોલીસે આરોપી પરેશ ની પૂછપરછ કરતા એક ચોકાવનારી હકીકત પણ સામે આવી હતી. આરોપીએ ચોરી કરેલો માલ ઓગાળવા માટેનાં સાધનો, ચોરી કરવા માટેના સાધનો, ચોરી કરેલો મુદ્દામાલ રાખવા માટે ખાસ એક વ્યવસ્થા રાખો હતી. જેમાં તેણે ઓઢવ વિસ્તારમાં ગોડાઉન તરીકે એક ઓફિસ પણ ભાડે રાખી હતી ત્યાં તમામ ચોરીનો માલ સામગ્રીઓ રાખતો હતો.

હાલ તો મણિનગર પોલીસે આરોપી પરેશ સોનીની ધરપકડ કરી બાર જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી સાત લાખથી વધુનું મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી પ્રકાસ 12 જેટલી ચોરી સિવાય અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ. તેમજ ચોરીને અંજામ આપવા અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Published On - 10:11 am, Fri, 22 March 24