ઉનાળો (Summer 2022) હવે દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી ગરમીનો (Heat) પારો સતત વધી રહ્યો છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે (Meteorological Department)આગાહી કરી છે કે આગામી 2 દિવસ રાજ્યમાં હીટવેવ (Heatwave) રહેશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રી પાર જશે.
હવામાન વિભાગના પ્રમાણે પવનોની દિશા બદલાતા અને સીધો તાપ પડતો હોવાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહેશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. 1 મે બાદ ગરમીથી રાહતની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 1 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ભેજ વાળા પવન આવતા ગરમીના પારામાં 2 ડિગ્રી સુધી ઘટાડો થશે. જેનાથી ગરમીમાં લોકોને આંશિક રાહત મળી શકશે. જોકે તેમ છતાં 43 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ ગરમી સહન કરવી જ પડશે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હીટવેવ રહેશે. તો અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ પણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે મે મહિનામાં શરૂ થતી ગરમી પવનોની દિશા બદલાતા એપ્રિલ મહિનામાં શરૂ થઈ છે. જેના કારણે આ વર્ષે લોકોને ગરમીનો અહેસાસ જલ્દી થવા લાગ્યો છે.
ગુરુવારે રાજ્યમાં ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ. જેમાં કંડલા એરપોર્ટ પર 45 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું. જે સિઝનનું સૌથી વધુ તાપમાન મનાઈ રહ્યું છે. જેની સામે આજે એક ડિગ્રી વધારો થતાં રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોચ્યું છે.
ગુરુવારે સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ 45 ડિગ્રી અને અમદાવાદમાં 44.4 ડિગ્રી નોંધાયુ હતુ. તો અમરેલી અને ગાંધીનગરમાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, રાજકોટ 43.2 ડિગ્રી, કેશોદ 42.4 ડિગ્રી, ભુજ, ભાવનગર અને સુરતમાં 42 ડિગ્રી અને વી.વી. નગરમાં 41.6 ડિગ્રી તાપમાન ગુરુવારે નોંધાયું હતુ.
તો આ સાથે જ વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તેમજ ગરમીથી રાહત માટેના તમામ ઉપાય કરવા સૂચન પણ કર્યું છે. જેથી લોકો ગરમીથી થતા રોગચાળાથી બચી શકે.
આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી