વસ્ત્રાલ વિસ્તાર ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકનો શિકાર બન્યો છે. તાજેતરમાં બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ શાશ્વત સોસાયટી આગળ આતંક મચાવ્યો. લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તોડફોડ અને હિંસાની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે. તહેવારની તૈયારીઓ ચાલી રહી હોવા છતાં, આ અસામાજિક તત્વોએ આતંક ફેલાવતા પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. કેટલાક શખ્સોએ રસ્તા પર ઉભી કારોમાં તોડફોડ કરી, જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.
આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
રામોલ પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલ વિસ્તારમાં આવી ઘટનાઓથી સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છે અને લોકો સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માગ ઉઠાવી રહ્યા છે.
ઈનપુટ ક્રેડિટ – હરિન માત્રાવાડિયા, મિહિર સોની
Published On - 12:11 am, Fri, 14 March 25