Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કાંડના મુખ્ય બે માસ્ટર માઈન્ડની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પટાવાળાનો સંપર્ક કરી સમગ્ર કાંડને અંજામ આપવાની શરૂઆત તરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ નવાવાડજમાં રહેતા સની ચૌધરી અને અમિત સિંઘ નામના મુખ્ય બે આરોપીઓને ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપી ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા સંજય ડામોરના સંપર્કમાં આવ્યા હતા.
સંજય ડામોરની નોકરી યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં હતી. જ્યાં ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગોના પેપર ચકાસણી પૂર્વે રાખવામાં આવતા હોય છે. જેથી આ બંને આરોપીઓએ નાપાસ થઈ શકે તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ચેડા કરીને તેમને પાસ કરવાનું કૌભાંડ આચરવાનું નક્કી કર્યું હતું. જેના માટે સની ચૌધરી નામના આરોપીએ સોશિયલ મીડિયા મારફતે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય તેમનો સંપર્ક કરતો હતો અને તેઓને રૂબરૂ મળીને એક પેપર દીઠ રૂપિયા 50,000ની રકમ નક્કી કરીને કેટલાક રૂપિયા
એડવાન્સ લેતો હતો.
જે વિદ્યાર્થીઓ એડવાન્સ રૂપિયા આપતા હતા તેમના હોલ ટિકિટની ઝેરોક્ષ આરોપીઓ સંજય ડામોરને મોકલાવતા હતા. ત્યારબાદ આવા વિદ્યાર્થીઓને ઉત્તરવહી ઉપર સંજય ડામોર લખવા માટેના કોડ આપતો. જે કોડ બંને આરોપી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હતા અને વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહી સાથે કોરી પુરવણી પણ બાંધી દેતા અને તેમાં કોડ લખતા હતા. જેથી સંજય ડામોરને જાણ થઈ શકે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ ઉત્તરવહીઓ રાતના સમયે સંજય ડામોર નક્કી કરેલ કોડના આધારે શોધી કાઢી બહાર લઈ લેતા હતા.
જે બાદ બંને આરોપીઓને ઉત્તરવાહી આપતો હતો અને ત્યારબાદ ઉત્તરવહીઓમાં જવાબ લખાવવા માટે બંને આરોપી અમિતસિંહ વિદ્યાર્થીઓને વાડજ એક કોમ્પલેક્ષમાં આવેલ દુકાન ખાતે લઈ જતો. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને અમિતસિંહ પોતાના ઘરે લઈ જતો ત્યાં કોરી પુરવણી લખવા માટે ઉત્તરવહી આપતા હતા. જે ઉત્તરવહી રાતોરાત લખાવી બંને આરોપી વહેલી સવારના સંજય ડામોર પાસે જમા કરાવી દેતા હતા અને સંજય ડામોર તે ઉત્તરવહી પરત સ્ટ્રોંગરુમમાં ગોઠવી દેતો હતો.
આ પણ વાંચો: Gujarati Video: મહેસાણાનો આંબેડકર બ્રિજ ઉદ્દઘાટનના એક જ વર્ષમાં બન્યો ખખડધજ, બ્રિજના કામમાં ગોબાચારીનો આરોપ
આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ કોલેજની નર્સિંગ તથા ફિઝિયોથેરાપીની અલગ અલગ સેમેસ્ટરની પરીક્ષાઓ મળીને આશરે 59 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહી આ રીતે લખાવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. સાથે જ પૈસા પણ ત્રણેય સરખા ભાગે લઈ લેતા હતા. ત્યારે હાલમાં સમગ્ર કાંડની અંદર અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:29 pm, Sat, 23 September 23