Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆત સાથે જ ભૂવા (Sink hole) પડવાની સમસ્યાઓનો સીલસીલો પણ શરુ થઇ ગયો છે. આ ભૂવામાં વાહનચાલકો અને રાહદારીઓ ખાબકી જતા હોય છે. વારંવાર થતી આ ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે જો ભૂવા પડે પહેલા બેરીકેટિંગ કરાયુ હોત તો આ ઘટના બની ન હોત.
આ પણ વાંચો- Surat : વેસુ વિસ્તારમાં યુવકનું રહસ્યમય મોત, નવનિર્મિત બિલ્ડીંગની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ
જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે થોડા દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. જ્યાં 7 જુલાઈએ વરસાદને લઈને ભૂવા અને રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ભૂવા પાસે બેરીકેટિંગ નહિ હોવાના કારણે એક રહીશને ત્યાં ભૂવો છે તે ખ્યાલ ન રહ્યો. જે પછી તે ત્યાંથી પસાર થાય છે ત્યારે ભૂવામાં ગરકાવ થઇ જાય છે. જોકે સદનસીબે તે સમયે આસપાસ લોકો હોવાના કારણે તે વ્યક્તિને બચાવી લેવાયો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
શહેરમાં ભૂવા પડવાની ઘટનાએ અડધી સદી વટાવી છે. એટલે કે શહેરમાં 50 થી પણ વધુ ભૂવા પડી ચુક્યા છે. ત્યારે કાલુપુર વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર બ્રિજ જતા રસ્તા પર ગુલઝાર હોટેલ પાસે ભૂવો પડતા સ્થાનિકો પરેશાન છે.
જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મુખ્ય માર્ગ પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે. એટલું જ નહીં પણ અગાઉ તેજ સ્થળ પર રથયાત્રા પહેલા ભૂવો પડ્યો હતો અને બાદમાં તે જ સ્થળે ભૂવો પડતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તો ગત વર્ષે પણ તે જ સ્થળ પર ભૂવો પડયાના સ્થાનિકના આક્ષેપ છે.
તાજેતરમાં પડેલા ભૂવોના અલગ અલગ દિવસના CCTV પણ સામે આવ્યા છે. 30 જૂને રાત્રે નાનો ભૂવો પડ્યો હતો. બાદમાં 1 જુલાઈએ તેની પાસે અન્ય ખાડો પડ્યો અને બાદમાં 6 જુલાઈએ નાનો ભૂવો મોટો વિશાળ બન્યો.
આ ભૂવો પડવાના કારણે વેપાર ધંધા પર અસર પડી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. તો સ્થાનિકે તંત્રને આ અંગે ફરિયાદ અને રજુઆત કરવા છતાં યોગ્ય કામગીરી નહિ થતી હોવા તેમજ ધીમી ગતિએ કામ થતું હોવાના પણ સ્થાનિકે આક્ષેપ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે 10 દિવસ પહેલા પડેલો નાનો ભૂવો મોટો બન્યો પણ માત્ર બેરીકેટિંગ મુકાયા છે. કોઇ નકકર કામગીરી કરાઈ નથી.
તો તરફ શહેરના દરિયાપુર દરવાજા બહાર મસ મોટો ભૂવો પડ્યો છે. જ્યાં કોર્પોરેશન દ્વારા બેરિકેટ મારીને સમારકામ શરૂ કરાયું છે. અને તે જ સ્થળ પર ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો. આ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન છે. તો ભૂવા પડવાના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.