ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ અધિકૃત રીતે કરેલ પત્રથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા કોણ હશે એની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.
અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મળેલ જનાદેશનો સ્વીકાર કરી કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને રચનાત્મક રીતે વાચા આપવાનું કામ કરશે. સરકાર સારા કાયદા લાવશે તો તેનું સમર્થન કરીશું, પરંતુ જો ભ્રષ્ટાચાર અને લોકોના અધિકારોનું હનન થશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે.
નિયમ મુજબ નેતાવિપક્ષનું પદ મેળવવા પર્યાપ્ત બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું નથી અને માત્ર 17 બેઠકો જ કોંગ્રેસને મળી છે, ત્યારે સરકાર કોંગ્રેસને અધિકૃત નેતા વિપક્ષનું પદ આપશે કે નહીં એને લઈ વિસંગતતાઓ છે. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો રાજભવનમાં સરકારી બંગલો અને સરકારી ગાડી નહીં મળે.
આ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું કે વિરોધપક્ષના નેતાનું સંવૈધનિક પદ સરકારી સુવિધાઓ મેળવવા માટે નથી, પદના માધ્યમથી અમે લોકોના પ્રશ્નોની લડત લાડીશું. ફાળવેલ બજેટ યોગ્ય રીતે વપરાય અને સરકાર તાયફાઓના બદલે સુખાકારી માટે કામ કરે એ માટે એમને સચેત કરીશું.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અને છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ સિવાય ચાવડા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવાર સાથે પરિવારિક સંબંધો રહ્યા છે અને તેમના દાદા સાંસદ રહી ચૂક્યા છે. માત્ર 17 સભ્યદળ વાળી ટીમના સુકાની તરીકે જવાબદારી મળી છે, ત્યારે અનેક પડકારો રહેશે.
ગુજરાત વિધાનસભામાં માત્ર 17 સભ્યો ધરાવનાર કોંગ્રેસે આખરે તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે. કોંગ્રેસે તો નેતાની પસંદગી કરી લીધી છે, પરંતુ બંધારણીય રીતે સરકાર વિધાનસભામાં નેતા વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને આપશે કે નહીં એને લઈ હજીપણ અનિશ્ચિતતા બનેલી છે.
Published On - 10:24 pm, Tue, 17 January 23