AHMEDABAD : ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ મિત્રના રિપોર્ટ બાદ રેલ્વે બોર્ડ અને રાજ્ય સરકારે પોતાના સોગંદનામા રજૂ કર્યા છે. રેલ્વે બોર્ડે પોતાના સોગંદનામા દાવો કર્યો છે કે વિસાવદરથી તલાલા વચ્ચેની રેલ્વે લાઈનને મીટર ગેજ બ્રોડગેજ કરવાનો પ્લાન રેલ્વેબોર્ડે હાલ પૂરતો પડતો મૂક્યો છે.સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી આ પ્લાનને પડતો મુકવામાં આવ્યો છે.
તો બીજી બાજુ રાજ્ય સરકારે આજ રેલ્વે લાઇન મુદ્દે કોર્ટમાં રજૂઆત કરી છે કે આ અંગેનો પ્લાન મંજૂરી માટે વિચારણા હેઠળ છે. રેલ્વે બોર્ડે દાવો કર્યો કે ગીર અભયારણ્ય કે ઈકો સેન્સીટીવ ઝોનમાંથી પસાર થતી રેલવેની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક નિયત કરવામાં આવી છે. રાત્રીના સમયે અભયારણ્ય વિસ્તારમાંથી ટ્રેન પસાર નહીં કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખુલ્લા કૂવામાં પડી જવાથી કે ટ્રેનની અડફેટે આવવાથી કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી સિંહોના અકાળે મૃત્યુ થતાં હોવાના મુદ્દાઓને ગંભીર ગણીને કોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં કોર્ટમિત્ર હેમાંગ શાહ તરફથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કામગીરીને લગતા અલગ-અલગ પ્રોજેક્ટની માહિતી કોર્ટ સમક્ષ મુકાઇ હતી, અને આ પ્રોજેક્ટથી સિંહોને અને વન્ય જીવસૃષ્ટિને નુકસાન થશે તે પ્રકારની રજૂઆત કરાઇ હતી.
જે બાદ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવે બોર્ડને ખુલાસો કરવા આદેશ કર્યા હતા, જેના જવાબમાં આ સોગંદનામા રજુ કરવામાં આવ્યા છે.જોકે આ મુદ્દાઓને લઈને વિસ્તૃત છણાવટ માટે કોર્ટ કેસને બે અઠવાડિયા બાદ સુનાવણી માટે નિયત કર્યો છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે
આ પણ વાંચો : મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા