Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવકે ગૃહકંકાસથી કંટાળી જઈ ત્રણ મહિના પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. લગ્નના ત્રણ જ મહિનામાં પત્નીએ ત્રાસ આપવાનું શરૂ કરતા યુવક કંટાળી ગયો હતો.
લગ્ન થયા બાદ થોડા જ દિવસોમાં પત્ની ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી. યુવકે રોજ-રોજના ઝઘડાથી કંટાળી જઈ ઘર જમાઈ બનવા પણ તૈયાર થઈ ગયો હતો અને પોતાની સાસરીમાં રહેવા જતો રહ્યો હતો. છતાં પત્નીનો ત્રાસ ઓછો ન થતા યુવકે કંટાળી જઈ આત્મહત્યા કરવા મજબુર બન્યો હતો. મૃતક યુવક અક્ષયે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો જેમા તે એવુ કહી રહ્યો છે કે તેની આત્મહત્યા પાછળ પોતાની પત્ની પ્રિયંકા, તેના સસરા, સાસુ, સહિત અન્ય સાસરીયા દ્વારા આપવામાં આવતા ત્રાસને કારણે તે જીવન ટૂંકાવી રહ્યો છે.
આત્મહત્યા પહેલા યુવકે રડતા રડતા વીડિયો બનાવ્યો જેમા તે કહી રહ્યો છે કે હવે તે જિંદગીથી હારી ગયો છે. તેણે પ્રેમાળ અને સુશીલ પત્નીના સપના જોયા હતા પરંતુ પ્રિયંકાએ તેના સપના તોડી નાખ્યા. ત્યારે વધુ એક માતાપિતાએ તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. આ સમગ્રઘટના ક્રમમાં યુવકના વીડિયોને આધારે આત્મહત્યાના ત્રણ મહિના બાદ પોલીસે 9 લોકો સામે ફરિયાદ નોંધી લોકોની ધરપકડ કરી છે. મૃતક અક્ષયની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઇકોર્ટે વચગાળા જામીન આપ્યા છે.
સરખેજ પોલીસે આપઘાત કેસમાં સસરા પ્રવિણ શિકારી, સાસુ ભારતીબેન શિકારી, સાઢું અમિત ચુનારા,મામજી ધર્મેન્દ્રભાઈ દાંતણીયા, માસાજી રીશ સીસોદીયા, મહિલા આરોપી માસીજી જ્યોતિકા દાંતણીયા,શિલ્પાબેન દાંતણીયા, ધર્મિષ્ઠાબેન દાંતણીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મૃતક અક્ષયની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઇકોર્ટે વચગાળા જામીન આપ્યા છે. જ્યારે બે આરોપી મામાજી અનિલ દાંતણીયા અને નવનીત દાંતણીયા ફરાર છે. પકડાયેલ 9 આરોપીઓની અલગ અલગ ભૂમિકા સામે આવી છે.
આપઘાત કરનાર મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહે છે. 4 ડિસેમ્બર 2022ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો અને ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી.
સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું. પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષયે તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો પરતું લગ્નના 3 માસમાં પ્રિંયકાએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ ત્રાસ આપવાનું શરૂ કર્યું.
પ્રિંયકા ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચેહરો અક્ષયને નહિ જોવા દેવાની પણ ધમકી આપી હતી. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયોને આધારે પત્ની પ્રિયંકા સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: નિકોલમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર પર રોફ જમાવવા નિર્દોષ પર ચાકૂના ઘા ઝિંકી દીધા
મૃતક અક્ષયના આપઘાત કેસમાં પોલીસે માર્ચ મહિના નોંધાયેલ ફરિયાદ બાદ 9 આરોપીને ઝડપી લીધા છે. ફરિયાદ થયા બાદ છેલ્લા 3 મહિનાથી આરોપીઓ વડોદરામાં ભાડે મકાન રાખી રહેતા હતા. જ્યારે પત્નીને જામીનની રાહત મળી છે. આ પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેંમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.. સાથે ફરાર બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો