
ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં (Ahmedabad) 3 દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) શનિવારે શરૂઆત થઈ હતી પ્રવાસી ગુજરાતી પર્વના બીજા દિવસે આજે પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહ્યા . જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહી. આ પર્વમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થયા છે.
આજે બીજા દિવસે કાજલ ઓઝા વૈદ્ય અને અભિનેત્રી અરુણા ઈરાની વચ્ચેની ચર્ચા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. કાજલ ઓઝા વૈદ્ય અને અભિનેત્રી અરુણા ઈરાની તમામ નારીઓ માટે નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ચર્ચામાં અરુણા ઈરાનીએ પોતાના જીવનના અનુભવ અને ગુજરાતીઓ માટેના તેમના વિચારો રજૂ કર્યા હતા.
તેમને 9 વર્ષની ઉંમરમાં અભિનેતા દિલીપ કુમારે પસંદ કરીને ફિલ્મમાં કામ કરવાની તક આપી હતી. તેઓ મહાનાયક અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મમાં તેમની પહેલી હિરોઈન હતા. તેમણે દિલીપ કુમાર, મનોજ કુમાર, રાજ કપૂર જેવા મોટા અભિનેતાઓ સાથે પણ કામ કર્યુ છે. તેમણે એકશન ફિલ્મોમાં પણ કામ કર્યુ છે, જે તે સમયની કોઈ અભિનેત્રી ભાગ્યે જ કરી શકતી હતી. તેઓ તેમના ફિલ્મી કરિયરમાં 500 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ હિન્દી, કન્નાડા, મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જીવનમાં તેમણે માતાના નિધન પછી તેમના 9 ભાઈ-બહેનોને માતાની જેમ સાચવીને જીવનમાં પગભર કર્યા છે.
મૂળ ગુજરાતી અને મુંબઈમાં જન્મેલા અરુણા ઈરાનીએ ચર્ચા દરમિયાન જણાવ્યુ કે, મને ગુજરાતીઓ આપણા લાગે છે, ગુજરાતી લોકો બધું જ કરી શકે છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ જ કેમ કરો છો તે વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મારે ગુજરાત પાસેથી ઘણુ લેવુ છે અને મારે ગુજરાતને ઘણુ આપવુ પણ છે. જીવનમાં આગળ વધવા માટે તમારે એક એક ડગલું આગળ આવવું પડશે અને એના માટે તમારા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.
અરુણા ઈરાનીએ ચર્ચા દરમિયાન જણાવ્યુ કે, નવા જમાનાની અભિનેત્રીઓેને એટલી જ સલાહ આપીશ કે જેવા છો તેવા જ રહો. ફિલ્મના રોલ કરતી વખતે નખરા બતાવો તે ચાલશે, પણ તે નખરા રિયલ લાઈફમાં ન બનાવો. જેવા છો તેવા જ બનીને આગળ વધો.
કાજલ ઓઝા વૈદ્ય અને અભિનેત્રી અરુણા ઈરાની વચ્ચેની ચર્ચા બાદ કાર્યક્રમમાં તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યુ હતુ. તેઓ દરેક નારી માટે રોલ મોડલ રહ્યા છે, જેના કારણે કાજલ ઓઝા વૈદ્ય ચર્ચાના અંતે તેમને પગે લાગતા પણ જોવા મળ્યા હતા. આ સમયે અભિનેત્રી અરુણા ઈરાની ભાવુક જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં આવી તેમણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
Published On - 6:16 pm, Sun, 16 October 22