Breaking News : અમદાવાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલ

અમદાવાદની વિશેષ NIA કોર્ટે 2019ના હેરોઈન સ્મગલિંગ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે છ પાકિસ્તાની નાગરિકોને ભારતીય સીમામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ આઠ વર્ષની સખત કેદ અને ₹52 હજારનો દંડ ફટકાર્યો છે.

Breaking News : અમદાવાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલ
| Updated on: Jul 27, 2026 | 7:41 PM

અમદાવાદ શહેર સેશન્સ કોર્ટમાં આવેલી NIAની વિશેષ અદાલતે 2019ના ચર્ચિત હેરોઈન સ્મગલિંગ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કુલ સાત આરોપીઓમાંથી છ પાકિસ્તાની નાગરિકોને ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ આઠ વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ ₹52 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે એક ભારતીય આરોપી સહિત તમામ આરોપીઓને હેરોઈન સ્મગલિંગ, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાના ષડયંત્ર અને અન્ય ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોમાં સફદર અલી (કેપ્ટન), અલાહી દાદ અંગિયારા, અઝીમ ખાન, અબ્દુલ અઝીઝ, અબ્દુલ ગફુર અને મોહમ્મદ મલાહનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીય નાગરિક રમઝાન પલાણી, જે ભારતીય બોટ ‘ફૈઝાને કિર્માની’નો ટંડેલ હતો, તેને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

21 મે, 2019ના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ને ગુપ્ત બાતમી મળી હતી કે પાકિસ્તાની બોટ ‘અલ-મદીના’ કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સીમામાં હેરોઈનની મોટી ખેપ પહોંચાડવા આવી રહી છે. આ માહિતીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ ‘અરિંજય’એ પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસ દરમિયાન પાકિસ્તાની બોટના ક્રૂએ શંકાસ્પદ કોથળાઓ દરિયામાં ફેંકી દીધા હતા. બાદમાં કોસ્ટ ગાર્ડે દરિયામાંથી સાત કોથળાઓમાં રહેલા કુલ 194 પેકેટમાંથી આશરે 217.85 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હોવાનું જણાવ્યું હતું.

330 કિલો હેરોઈન સ્મગલિંગનું ષડયંત્ર હોવાનો આરોપ

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની અને ભારતીય આરોપીઓએ મળીને પાકિસ્તાનથી ભારતમાં અંદાજે 330 કિલોગ્રામ હેરોઈનની સ્મગલિંગ કરવાનો કાવતરું રચ્યું હતું. આ હેરોઈનના વેચાણમાંથી મળનારી રકમ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત છ પાકિસ્તાની આરોપીઓ સામે પાસપોર્ટ અને વિઝા વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશવાનો આરોપ પણ નોંધાયો હતો.

પુરાવાના અભાવે ગંભીર આરોપોમાંથી તમામ આરોપીઓ નિર્દોષ

કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન NIA, DRI અને કોસ્ટ ગાર્ડ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં અનેક કાયદાકીય ખામીઓ સામે આવી હતી. વિશેષ NIA કોર્ટે નોંધ્યું હતું કે NDPS એક્ટ હેઠળ ફરજિયાત પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું.

કોર્ટના અવલોકન મુજબ DRI અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ મળેલી ગુપ્ત બાતમીને લેખિત સ્વરૂપે નોંધવામાં તેમજ કાયદા મુજબ 72 કલાકની અંદર પોતાના વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં નિષ્ફળતા દર્શાવી હતી.

આ ઉપરાંત દરિયામાંથી જપ્ત કરાયેલા કોથળાઓની રિકવરી દરમિયાન કોઈ વિડિયોગ્રાફી કરવામાં આવી નહોતી અને સ્વતંત્ર પંચોની હાજરી પણ નહોતી. જેના કારણે પુરાવાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા.

ભારતીય આરોપી સામે પણ પુરાવા ન મળ્યા

ભારતીય આરોપી રમઝાન પલાણી સામે પણ કોઈ નશીલો પદાર્થ મળી આવ્યો નહોતો. તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે તેણે VHF ચેનલ પર થયેલી વાતચીત સાંભળીને હેરોઈનની ડિલિવરી લેવા માટે બોટ ત્યાં લાવી હતી. જોકે પૂછપરછ દરમિયાન તેની સામે એવો કોઈ મજબૂત પુરાવો રજૂ થઈ શક્યો નહોતો. તેની બોટમાંથી પણ કોઈ શંકાસ્પદ સામગ્રી કે હેરોઈન મળી આવ્યું નહોતું.

માત્ર ગેરકાયદે પ્રવેશના ગુનામાં સજા

આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ NIA કોર્ટે NDPS એક્ટ, UAPA અને IPC હેઠળના ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને હેરોઈન સ્મગલિંગ સંબંધિત તમામ આરોપોમાં તમામ સાતેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે છ પાકિસ્તાની નાગરિકો કોઈપણ માન્ય પાસપોર્ટ, વિઝા અથવા કાયદેસર દસ્તાવેજો વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ્યા હતા, જે ગુનો સાબિત થયો હતો. તેથી કોર્ટે તમામ છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ ₹52 હજારનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર જીવલેણ અકસ્માત, બે યુવતીના કરૂણ મોત, જુઓ CCTV Video

Follow Us