Big Monsoon Alert : ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે, ચિરાગ શાહની 1 ઓગસ્ટથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે ગુજરાતમાં 1 ઓગસ્ટથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે.

Big Monsoon Alert : ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે, ચિરાગ શાહની 1 ઓગસ્ટથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
| Updated on: Jul 27, 2026 | 4:39 PM

ગુજરાતમાં ચોમાસાનો એક વધુ તીવ્ર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે રાજ્યમાં 1 ઓગસ્ટથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જે આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતને ધમરોળી શકે છે. આ વરસાદ પાછળ બંગાળની ખાડીમાં સક્રિય થતી લો-પ્રેશર સિસ્ટમ જવાબદાર છે, જે આગામી ત્રણ દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે.

શાહની આગાહી મુજબ, 31મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગો જેવા કે સુરત, વાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ જ દિવસે પંચમહાલ અને દાહોદ જેવા આંતરિક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદની અસર હેઠળ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી શકે છે.

કેટલાક જિલ્લાઓમાં 10 થી 15 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના

ખાસ કરીને 1 ઓગસ્ટનો દિવસ સમગ્ર ગુજરાત માટે “ડેન્જર ઝોન” તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ચિરાગ શાહે ચેતવણી આપી છે કે કેટલાક જિલ્લાઓમાં 10 થી 15 ઇંચથી વધુ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આ સિસ્ટમ અત્યંત સક્રિય છે. આ દિવસે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તમામ તાલુકા અને જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળશે.

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યને મેઘરાજા ઘમરોળશે. 1 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આ વરસાદી પ્રવૃત્તિ ૨ ઓગસ્ટના રોજ પણ ચાલુ રહેશે, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અમુક અપવાદો સિવાય છૂટોછવાયો અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જોકે, સારા સમાચાર એ છે કે 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શરૂઆત થશે. આ દિવસોથી ગુજરાતમાં વરસાદનો વ્યાપ અને તેની તીવ્રતા બંનેમાં ઘટાડો જોવા મળશે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ ઓછી થશે. નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતી સૂચનાઓ પર ધ્યાન આપવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની તારાજી વચ્ચે કેબિનેટ બેઠકને લઈ મોટો નિર્ણય, મંત્રીઓને મેદાનમાં ઉતરવા મુખ્યમંત્રીનું સૂચન

Follow Us