
Gujarat Rain : ગુજરાત વાસી અને તેમાં પણ જગતના તાત એવા ખેડૂતો માટે સારા સમાચાર છે કે આજથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આ જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કર્યા બાદ ગુજરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે કરેલી આગાહી પ્રમાણે કહેવાયુ હતું કે રાજ્યમાં 48 કલાકમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, જેને 24 કલાક વીતી ચુક્યા બાદ આજે કેન્દ્રીય હવામાન વિભાગ અને બાદમાં ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયાની જાહેરાત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ વેરાવળ ભાવનગર આણંદ ની લાઈન ઉપર ચાલી રહ્યું છે. જ્યાંથી તે ગુજરાતમાં પ્રવેશ્યું છે. જે 48 કલાકમાં વધુ પ્રોગ્રેસ કરશે અને બાદમાં થોડા દિવસમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ચોમાસુ જોવા મળશે. હાલ જે ચોમાસાએ પ્રવેશ કર્યો છે જેને લઇને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. તો અમદાવાદ ગાંધીનગરમાં પણ છૂટો છવાયો ભારે વરસાદ લેવાનું પણ જણાવ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસુ બેસવા માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ રહ્યું જેના કારણે રાજ્યમાં ચોમાસુ બેસયુ છે. તેમજ ચોમાસા બેસવાને લઈને તેની પહેલા એક સાઇસર સિસ્ટમ કે જે એક સર્ક્યુલેશન કહેવાય છે તે સિસ્ટમ સક્રિય બની હતી જેના કારણે રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ નોંધાઈ રહ્યો છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચોમાસુ બેસતા ની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
એટલે કે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર એન્ટ્રી સાથે શરૂ થશે. તો અમદાવાદમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયા અને સામાન્ય વરસાદ રહેશે. આજે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પાંચ દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ચોમાસાની એન્ટ્રી સાથે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી ચોમાસાની રહેશે. એટલે કે ભારે વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. જે ભારે વરસાદના કારણે સુરક્ષાના ભાગ રૂપે ફિશરમેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 27 અને 28 જૂને દક્ષિણ ગુજરાતમાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી તો કરવામાં આવી રહી છે. સાથે જ નાવ કાસ્ટ જાહેર કરીને રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં કયા શહેર જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને કેવો માહોલ રહેશે તેની પણ આગાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા અને હડવા વરસાદની આગાહી કરી. તેમજ બનાસકાંઠા પાટણ, મહેસાણા, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા શનિવારે રાજ્યમાં ચોમાસુ 48 કલાકમાં બેસે તેવી આગાહી કરવામાં આવી હતી. જેની પહેલા એક સિસ્ટમને લઈને રાજ્યમાં વરસાદી માહોલ નોંધાયો છે. જેની સાથે અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ તેમજ છૂટો છવાયો વરસાદ પણ નોંધાઇ રહ્યો છે. જે વરસાદી માહોલના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં હવે લોકોને ગરમી માંથી આંશિક રાહત પણ મળી રહી છે. જોકે ક્યારેક બફારો પણ અનુભવાય રહ્યો છે.
તો આજે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ મન મુકીને પણ વરસી રહ્યો છે. અને હવે ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે રાજ્યમાં હવે ચોમાસાનો વરસાદ લોકોને જોવા મળશે. તો ચોમાસુ શરૂ થતાં ખેડૂતોને સીધો લાભ થશે.
સામાન્ય રીતે ચોમાસાની સિઝન માં કેરળમાં એક જૂને ચોમાસુ બેસી જતું હોય છે. અને તે બાદ ચોમાસુ મુંબઈ બેસે છે અને બાદમાં 15 જૂન આસપાસ ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું ચારથી પાંચ દિવસ મોડું ચાલ્યું. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાનું મોડું આગમન થયું. તેમજ 1 જૂનથી 15 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું પણ નોંધાયું. જે વાવાઝોડાની અસરના કારણે પણ ક્યાંક આ ચોમાસાના આગમનમાં વિલંબ થયો. જેના કારણે જે ચોમાસુ ગુજરાત રાજ્યમાં 15 જૂન આસપાસ બેસવું જોઈએ તેની જગ્યા પર હવે ચોમાસુ 25 જૂને બેસ્યું છે.
આ પણ વાંચો : હોકી અમદાવાદ 5’s ચેમ્પિયનશિપ સીઝન અમદાવાદમાં યોજાઈ, પ્રથમ વખત દરેક ટીમમાં મહિલાને અપાયું સ્થાન
એટલે કે ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 દિવસ મોડું ચાલી રહ્યું છે. જોકે સારી બાબત એ છે કે બીપોરજોય વાવાઝોડા ના કારણે રાજ્યમાં 10% ઉપર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે વરસાદ ક્યાંક આ મોડા પડેલા ચોમાસાની ખોટ પૂરી પાડી શકે છે. જોકે ચોમાસું બેસ્યા બાદ રાજ્યમાં ચોમાસાની સિઝન કેવી રહેશે વરસાદ કેવો રહેશે તેના ઉપરથી ખ્યાલ આવશે કે આ વખતનું ચોમાસું ગુજરાત રાજ્ય માટે સારું રહે છે કે પછી મધ્યમ રહે છે. પરંતુ હવે જ્યારે આ ચોમાસું બેસી ગયું છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતો પાક વાવી શકશે જ્યાં તેઓને પાણીની અછત લગભગ નહિ સર્જાય. તેમજ લોકોને પણ હવે ગરમીમાંથી રાહત મળશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:50 pm, Sun, 25 June 23