
પ્રેમમાં કોઈ સીમા, જાતિ કે ધર્મ અવરોધરૂપ બનતો નથી. તેની પુષ્ટિ કરતી વધુ એક પ્રેમગાથા સામે આવી છે, જેમાં અંદમાન-નિકોબારના એક મુસ્લિમ યુવકે અમદાવાદની હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો છે. આ યુવકનું નામ સાજિદ હતું, જે હવે ધર્મ પરિવર્તન બાદ સ્વપ્નિલ તરીકે ઓળખાશે. જોકે, આ પ્રેમકથા એક નવા વિવાદના કેન્દ્રમાં આવી છે, જેમાં અમદાવાદના વેજલપુર સ્થિત એક સરનામાનો ખોટો ઉપયોગ થયો હોવાનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંદમાન-નિકોબારમાં મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા સાજિદને અમદાવાદની એક હિન્દુ યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીના પરિવારે મુસ્લિમ ધર્મમાં લગ્ન માટે મંજૂરી આપવાનો ઇનકાર કરતા, સાજિદે હિન્દુ ધર્મ અપનાવવાનો અને સ્વપ્નિલ નામ ધારણ કરવાનો નિર્ણય લીધો.
આ નિર્ણય યુવતીના પરિવારને સ્વીકાર્ય બનતા, સાજિદ હિન્દુ ધર્મ અપનાવવાની પ્રક્રિયામાં જોડાયો. યુવતીના ભાઈના જણાવ્યા અનુસાર, સાજિદ અને તેની બહેન 20 વર્ષ પહેલા કોલકાતામાં મળ્યા હતા અને તેમના પ્રેમ સંબંધો વિકસ્યા હતા. આ સંબંધમાંથી તેમને એક સંતાન પણ છે, જે હવે 20 વર્ષનું થઈ ગયું છે. યુવતીએ સાજિદને સૂચવ્યું હતું કે જો તે હિન્દુ બને તો તેના પરિવારજનો તેમને સ્વીકારી લેશે.
પરંતુ, સાજિદે નામ બદલવા માટે સમાચારપત્રોમાં આપેલી જાહેરાતમાં અમદાવાદના વેજલપુર, શ્રીનંદનગર સોસાયટીના એક મકાનનું સરનામું આપ્યું હતું. આ સરનામું વાસ્તવમાં યુવતીના ભાઈ અને ભાભીનું છે. આ સરનામાના ઉલ્લેખ થતા જ સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. TV9 ગુજરાતીની ટીમે યુવતીના ભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જાહેરાતમાં તેમના સરનામાનો ઉપયોગ થયો છે, પરંતુ સાજિદ ક્યારેય અહીં રહેતો નથી. યુવતીના ભાઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સાજિદને ક્યારેય મળ્યા નથી કે ઓળખતા નથી. તેમણે આ સરનામાના ખોટા ઉપયોગ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમનો મુખ્ય વાંધો સાજિદના ધર્મ પરિવર્તન સામે નથી, પરંતુ તેમના નિવાસસ્થાનના દુરુપયોગ સામે છે.
આ સમગ્ર વિવાદમાં સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, તેમને પરિવારના વ્યક્તિગત મુદ્દાથી કોઈ નિસ્બત નથી. પરંતુ, તેમની ચિંતા એ છે કે ભવિષ્યમાં મુસ્લિમ વ્યક્તિ નામ બદલીને આ વિસ્તારમાં મકાન ન ખરીદે. તેમણે આ મુદ્દો “અશાંત ધારા” થી અલગ હોવાનું સ્વીકાર્યું, પરંતુ જનતાની ચિંતા વ્યક્ત કરી કે નામ બદલ્યા બાદ જો પ્રોપર્ટી ખરીદવાની પ્રવૃત્તિઓ થાય તો શું? આથી, તેમણે કલેક્ટરને આ અંગે યોગ્ય નિર્ણય લેવા અને પહેલેથી જ ધ્યાન રાખવા માટે ધ્યાન દોર્યું છે. આ ઘટનાએ પ્રેમ, ધર્મ પરિવર્તન અને સરનામાના ઉપયોગ જેવા સંવેદનશીલ મુદ્દાઓને ફરીથી ચર્ચામાં લાવ્યા છે.
સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો, ભારે ઉકળાટ બાદ બારડોલીમાં મેઘરાજાની પધરામણી