ગુજરાત હાઈકોર્ટના નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એ.જે.દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી છે. જસ્ટિસ એ.જે.દેસાઈએ અમદાવાદની એલ.એ.શાહ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. જસ્ટિસ એ.જે.દેસાઈ 27 નવેમ્બર 1985ના રોજ બાર કાઉન્સિલમાં એનરોલ થયા હતા. જસ્ટિસ એ.જે.દેસાઈ 2013માં ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા. ગુજરાત હાઇકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી 25 ફેબ્રુઆરીએ નિવૃત થશે. જ્યારે ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એ.જે.દેસાઈ 26 ફેબ્રુઆરીએ ચાર્જ સંભાળશે.
— Kiren Rijiju (@KirenRijiju) February 24, 2023
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીએ 12 ફેબ્રુઆરી શપથ લીધા હતા. આ શપથ વિધિમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણી શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ સોનિયા ગોકાણીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે, 31મી જાન્યુઆરી 2023ના ઠરાવ દ્વારા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતીની ભલામણ કરી હતી. તેથી ચીફ જસ્ટિસના ખાલી સ્થાન પર કોલેજિયમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ ગોકાણી હાલમાં ગુજરાત હાઈકોર્ટના સૌથી સિનિયર જજ હતા . તેમની 17 ફેબ્રુઆરી, 2011 ના રોજ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈ અમદાવાદની સિટી સિવિલ સેશન કોર્ટમાં વકીલાત કરતા હતા. ત્યાર બાદ 1991થી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1994 માં તેમની મદદનીશ સરકારી વકીલ તરીકે અને વર્ષ 1995માં અધિક સરકારી વકીલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2006 થી 2009 દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ નિયુક્ત થયા હતા.
આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
Published On - 11:40 pm, Fri, 24 February 23