શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજની રામકથાનો અમદાવાદમાં ઘોડાસર સ્મૃતિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદ આવેલા જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અયોધ્યામાં ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ પરત ફર્યા ત્યારે જે માહોલ હતો એ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કાશી મથુરા અંગે પૂછાતા જગદગુરુએ જણાવ્યુ કે કાશી મથુરા લઈને રહીશુ. કાશી મથુરા વિવાદનો પણ જલ્દી અંત આવશે. 2024-25 સુધીમાં વિવાદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યુ હતુ. લોકસભા 2024ની ચૂંટણીમાં પીએમ મોદી ફરી ચૂંટાશે તેવી પણ તેમણે ભવિષ્યવાણી કરી અને ધર્મ અને અધર્મ વચ્ચેની આ ચૂંટણીમાં ધર્મ પીએમ મોદીની સાથે હોવાનું પણ તેમણે જણાવ્યુ.
જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યુ કે મને ગુજરાત બહુ ગમે છે અને ગુજરાતી ભોજન પણ બહુ ભાવે છે. ગુજરાત તો મારી ભૂમિ છે અને રાજકોટમાં તેમનો આશ્રમ હોવાની વાત પણ તેમણે કરી. જો કે નવાઈની વાત એ હતી કે ગુજરાતી ભાષા પર પણ જગદગુરુની સારી એવી પકડ છે અને તેઓ ગુજરાતી ભાષામાં જ મીડિયા સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે રામભદ્રાચાર્ય નેત્રહિન છે. નેત્રહિન હોવા છતા તેમણે 22 ભાષા જાણે છે અને બોલી શકે છે, 230 પુસ્તકો લખ્યા છે અને પાણીની અષ્ટાધ્યાય જે લખ્યુ છે તેની પ્રસ્તાવના જ 10 હજાર પન્નાની છે અને 50 હજારથી વધુ શ્લોકો છે અને પીએમ મોદીએ તેનુ વિમોચન કર્યુ છે.
અયોધ્યામાં કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર એવુ ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે. 500 વર્ષની પ્રતિક્ષા અને અનેક કાયદાકીય અને લડાઈઓ બાદ અયોધ્યામાં ભગવાન રામ લલાની મૂર્તિનું સ્થાપન થવાનુ છે. 1984માં રામજન્મભૂમિ માટેની ચળવળ શરૂ થઈ ત્યારથી જગદગુરુ રામભદ્રાચાર્ય તેના સાક્ષી રહ્યા છે. તેઓ ખુદ પણ રામજન્મભૂમિની લડાઈનો હિસ્સો રહ્યા છે. બાબરી ધ્વંસ વખતે તેમણે પણ પોલીસના લાઠીઓ ખાધી છે, 8-8 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો છે અને કોર્ટની દરેકે દરેક લડાઈમાં જ્યાં જરૂર પડી ત્યાં સાક્ષી તરીકે હાજર પણ થયા હતા. આપને જણાવી દઈએ કે જગદગુરુ રામભદ્રાચાર્ય આંખોથી જોઈ શક્તા નથી. તેઓ માત્ર બે મહિનાના હતા ત્યારે જ આંખોના બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે આંખોની રોશની ગુમાવી હતી.
આ પણ વાંચો: સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?
પોતાના નેત્રહિન હોવા અંગે જગદગુરુ સ્પષ્ટપણે જણાવે છે કે सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यंध एव सः। શાસ્ત્ર જ સાચુ નેત્ર છે અને જેમની પાસે શાસ્ત્ર નથી તેઓ અંધ છે. રામજન્મ ભૂમિ અંગે કોર્ટમાં જ્યારે ગવાહી આપવાની થઈ ત્યારે અનેક ધર્માચાર્યોએ પીછેહઠ કરી હતી એ સમયે જગદગુરુ રામભદ્રાચાર્યએ કોર્ટમાં જુબાની આપવાની તૈયારી બતાવી હતી. એ સમયે એમણે કહ્યુ હતુ કે હું વશિષ્ઠ ગોત્રી બ્રાહ્મણ છુ, મારા પૂર્વજોએ રામનુ નમક ખાધુ છે અને મે પણ ખાધુ છે આથી જુબાની તો હું આપીશ. પીએમ મોદીને તેઓ તેમના મિત્ર માને છે. તેઓ કહે છે કે 1988માં જ્યારે અડવાણીએ રથયાત્રા નીકળી હતી ત્યારે તેમની મિત્રતા થઈ હતી અને તેઓ આજે પણ તેમના મિત્ર છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો