Ahmedabad: અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ જેગુઆર અકસ્માત બાદ મણીનગરમાં પણ નબીરાઓ દ્વારા નશો કરીને રાતના સમયે ગાડી હંકારી હતી જે ગાડી અથડાઈ હતી અને પલટી મારી હતી. કારમાંથી બીયરની બોટલો પણ મળી આવી હતી. સદનસીબે કોઈ પણ જાનમાલને નુકસાન થયું ન હતું. જોકે શહેરમાં લોકો પૂરપાટ ઝડપે અથવા તો નશાની હાલતમાં ગાડીઓ હંકારવાનાં કિસ્સાઓ વધતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે.
મણીનગર વિસ્તારમાં મોડી રાત્રે જે અકસ્માત થયો તેમાં ચાર યુવકો હતા અને તમામ નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચલાવનાર વિરુદ્ધ એન્ડ ડ્રાઇવ નો કેસ નોંધ્યો હતો તેમજ અન્ય ત્રણ યુવકો વિરુદ્ધ મણિનગર પોલીસ મથકમાં નશો કરેલો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ મણીનગર પોલીસમાં આ યુવકોને બિયર પૂરી પાડનાર પિતા પુત્ર વિરોધ પણ ફરિયાદ નોંધાઈ હતી.
મણિનગર વિસ્તારમાં થયેલા અકસ્માતમાં સ્થળની બાજુમાં બેઠેલા બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ થતા બચી ગયા હતા. સમગ્ર બનાવની ગંભીરતા જોતા મણીનગર પોલીસ દ્વારા આ કાર ચાલકને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કારચાલક અને બીયર પૂરી પાડનાર વ્યક્તિને ઘટના સ્થળ ઉપર લઈ જવાયા હતા અને ત્યાં તેમને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
જે રીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અલગ અલગ અકસ્માતના કિસ્સાઓ આવે છે અને તેમાં પણ જે રીતે પુરપાટ ઝડપે ગાડી ચલાવી જે અકસ્માતો થાય છે જેને કારણે નિર્દોષ લોકો ના જીવ જોખમાય છે અને અમુક કિસ્સાઓમાં લોકોનું મોત પણ નીપજે છે ત્યારે હવે સરકાર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે.
તથ્ય પટેલ મામલે સરકારે પણ ગંભીરતા દાખવી પોલીસને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે તો બીજી તરફ DGP દ્વારા પણ રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે. જેને પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. બ્લેક ફિલ્મ, ઓવર સ્પીડમાં ચાલતા વાહનો, નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા લોકો સહિતનાં પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.
જોકે મણિનગર વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા યુવકોને મેથીપાક ચખાડતો વિડીયો વાયરલ થતા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે રીતે મણિનગર પોલીસ દ્વારા આ યુવકોને મેથીપાક ચખાડી કાયદાનું ભાન કરાવ્યું તો તથ્ય પટેલ કે તેના પિતાને શા માટે ખાતરદારી કરતા હોય તે રીતે સાચવવામાં આવી રહ્યા છે. તેને પણ નવ લોકોના મોતનો અહેસાસ કરાવો એટલો જ જરૂરી હતો તેવી પણ લોક માંગણી ઉઠી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:59 pm, Tue, 25 July 23