અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.
જેમાં મળતી માહિતી મુજબ, પાકા લાયસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જેમાં બપોરે 2. 30 થી 3 સુધી રિશેષ રહેશે. જ્યારે બપોરે 3 વાગ્યે બાદ સાંજના 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે. આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને સરળતા રહે તે માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં ટુ વ્હીલરની 30 અને ફોર વ્હીલર માટે 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે.
આ અંગે જણાવતા, RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને લોકો માટે સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારના તથા રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી હતી જેથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે. સાથે જ હરીફાઈ પણ વધી રહી છે. જેની વચ્ચે લોકો કેટલાક નિયમોને ભૂલી રહ્યા છે. જે નિયમનું પાલન નહીં થતા પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે ટ્રાફિક નિયમનું પાલન નહિ કરનાર અને ટ્રાફિકના ગુના કરનાર સામે ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપી છે. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા છે.