
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં મોંઘા મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ચોરી કરવામાં આવી છે. સનાથલ સર્કલ નજીક સ્થિત આ વેરહાઉસના શેડમાં ત્રાટકેલા તસ્કરોએ આશરે ₹99 લાખથી ₹1 કરોડનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, તસ્કરો ખેતરમાંથી વેરહાઉસ સુધી પહોંચ્યા હતા અને દિવાલ પર લગાવેલા પતરા ખોલીને અંદર પ્રવેશ્યા હતા. આ ઘટના મોડી રાત્રિના સમયે બની હતી. ચોરોએ લગભગ એક કલાક સુધી વેરહાઉસમાં રહી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી થયેલા સામાનમાં 40 iPhone 17, 30 iPhone 16, 2 iPads, 36 Apple Watches, 26 લેપટોપ અને 20 કીબોર્ડનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ બોક્સમાં ભરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બુકાનીધારી બે શખ્સો ચોરી કરતા દેખાઈ રહ્યા છે. આ ફૂટેજના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB અને ચાંગોદર પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તસ્કરો કઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા હતા તે અંગેની વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.
પોલીસ સૂત્રો અનુસાર, દિવાળીના તહેવારો નજીક આવતા જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોર અને લૂંટારુઓની ટોળકી સક્રિય થઈ જતી હોય છે. આ ઘટના પણ તે જ શ્રેણીનો એક ભાગ હોવાનું મનાય છે. હાલ પોલીસ દ્વારા વેરહાઉસ માલિક અને આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આશા છે કે જલ્દી જ આરોપીઓ પકડાઈ જશે.
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો, જુઓ Video