
અમદાવાદના વેજલપુરમાં પોપટની ચોરી કરનાર આરોપી પકડાયો. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી આરોપીની ધરપકડ કરી. લગ્ન કરવા માટે આરોપીએ 11 જેટલા એક્ઝોક્ટિક બર્ડની ચોરી કરી. ઇન્સ્ટાગ્રામમાં પોપટની રિલ્સ જોઈને આરોપીએ ચોરીને આપ્યો હતો અંજામ. બકરા ચોરમાંથી પોપટ ચોર બનેલો કોણ છે આ આરોપી.
જુહાપુરામાં આવેલા અલ સુગરા એક્વેરિયમ દુકાનનું શટલ તોડી વિદેશી પોપટની ચોરી કેસનો ભેદ ઉકેલાયો. ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચેના પીઆઈ આર.એન. કરમઠીયા બાતમી મળી જેના આધારે બીશાલ યાદવ નામના આરોપીની અસલાલી થી ધરપકડ કરી. પોલીસે ચોરીના 11 એક્ઝોક્ટિક બર્ડ કબ્જે કર્યા.
8 જુલાઈના રોજ જુહાપુરામાં રૂ. 1.50 લાખ થી લઈ 3.20 લાખ સુધીના રૂ 15 લાખના વિદેશી પોપટની ચોરી થઈ હતી. આ ચોરીને લઈને ગ્રામ્ય LCB ને બાતમી મળી કે આરોપી બીશાલ યાદવ વિદેશી પક્ષીઓનું વેચાણ કરવા ફરી રહ્યો છે.. જે બાતમીના આધારે પોલીસે અસલાલીથી આરોપીની ધરપકડ કરી. આરોપીના દિવાળીમાં લગ્ન કરવાના હતા..અને ખર્ચ માટે પૈસાની જરૂરિયાત હતી. જેથી આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં કિંમતી વિદેશી પોપટની રિલ્સ જોઇ હતી અને પોપટની ચોરીનું ષડયંત્ર રચીને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બીશાલ યાદવ મૂળ બિહારનો રહેવાસી છે. અગાઉ વટવા વિસ્તારમાં રહેતો હતો અને એક વર્ષ પહેલાં જ નડિયાદ રહેવા ગયો છે અને નડિયાદ માં લાકડાની ફેક્ટરી માં કામ કરે છે. આ આરોપી પશુઓની ચોરી કરતા અગાઉ પકડાયો હતો. તેની વિરુદ્ધ વડોદરા, ભરૂચ અને ખેડા જિલ્લા માં બકરાની ચોરીને લઈને ગુના નોંધાયા હતા.
લગ્ન માટે પૈસા માટે આરોપીએ બકરાના બદલે વિદેશી પોપટની ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં વિદેશી પોપટની રિલ્સ જોઈને 15 દિવસ પહેલા દુકાનમાં રેકી કરવા પહોંચ્યો હતો. ત્યાં દુકાનના CCTV અને ચોરી કરવાની જગ્યાની રેકી કરી હતી. ત્યાર બાદ પોતાના બે મિત્રો સાથે પોપટની ચોરી કરવા પહોંચ્યો હતો. આરોપીએ CCTV ની સ્વીચ બંધ કરી દીધી અને શટરનું લોક તોડી કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
ત્યાર બાદ રિલ્સમાં જોયેલા કિંમતી વિદેશી પોપટની ચોરી કરી હતી..આ પોપટ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાના બ્રીડના છે.. આરોપીઓ પક્ષીઓને બિસ્કિટ અને ચણા ખવડાવ્યા હતા જેથી પક્ષીઓની હાલત ખરાબ થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે..
ગ્રામ્ય LCBએ પોપટ ચોર બીશાલ યાદવની ધરપકડ કરીને વેજલપુર પોલીસને સોંપ્યો. આરોપી સાથે અન્ય બે આરોપીઓનું નામ ખુલ્યું છે, પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.