
ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયતંત્ર સંબંધિત એક મહત્વના મામલાને લઈને તાજેતરમાં મોટો વિવાદ ઉભો થયો છે. કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થવાના પ્રકરણમાં ન્યાયમૂર્તિ સંદીપ એન. ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીના એક અધિકારીની શંકાસ્પદ કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ પગલાં બાદ, ચીફ જસ્ટિસે જસ્ટિસ ભટ્ટનું રોસ્ટર એકાએક બદલી નાખ્યું, જેના કારણે વકીલ સમાજમાં નારાજગી વ્યાપી છે.
આખા મુદ્દે વકીલોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા તાકીદની બેઠક યોજવાની ઘોષણા કરવામાં આવી છે. વકીલોએ રોસ્ટર બદલાવને લઈને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
જસ્ટિસ ભટ્ટે નોંધેલી ટીકાઓમાં રજિસ્ટ્રાર એ.ટી. ઉકરાણીની કામગીરી પર સંશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉકરાણી અગાઉ સુરતમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે સાત મહિનામાં 15 કેસ ફાઇલો ગુમ થઈ ગયાની ઘટનાને કારણે તેઓ વિવાદમાં રહ્યા હતા.
ચીફ જસ્ટિસ દ્વારા રોસ્ટર બદલવાના નિર્ણયો અંગે વકીલોએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ એસોસિએશનના વર્તમાન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને પત્ર લખી તાકીદની ચર્ચાની માગણી કરી છે. પંડ્યાએ આ નિર્ણયને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નાગરિકોની ન્યાયિક હકો માટે જોખમરૂપ ગણાવ્યો છે.
તેમણે વકીલ સમાજને અપીલ કરી છે કે, જો આવા નિર્ણયો સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે, તો સ્વતંત્ર અને તટસ્થ ન્યાયમૂર્તિઓ પર પ્રભાવ પડી શકે છે. વકીલોએ ન્યાયમૂર્તિઓના સમર્થનમાં એકતાનું પ્રદર્શન કરવાની માંગણી કરી છે.
આ મામલે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા આવતીકાલે બપોરે બેઠક યોજવાની તૈયારી છે, જેમાં આ મુદ્દે વધુ ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.