
Gujarat HC Divorce Cases: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
કેસની વિગત મુજબ, એપ્રિલ 2024માં લગ્ન કરનાર એક દંપતી લગ્નના માત્ર છ દિવસ બાદ જ વૈવાહિક તકરારને કારણે અલગ થઈ ગયું હતું. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી
જોકે, પતિ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી હોવાથી તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા વિનંતી કરી હતી, જેને ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી અને તેને રૂબરૂ હાજર રહેવા માટે આગ્રહ રાખ્યો હતો. આ બાદ દંપતીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
જસ્ટિસ જે.સી. દોશીએ આ મામલે ફેમિલી કોર્ટના કડક વલણની ટીકા કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે ફેમિલી કોર્ટનો આગ્રહ વધુ પડતો ટેકનિકલ અભિગમ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે ટેકનોલોજી ખરેખર ન્યાય મેળવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવી જોઈએ, નહીં કે તેમાં અવરોધ ઉભો કરે. પ્રક્રિયાગત કઠોરતાઓ ઘણીવાર વાસ્તવિક ન્યાયના માર્ગમાં બાધા બને છે, જે યોગ્ય નથી. જે બાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના નિર્દેશોને રદબાતલ ઠેરવી નીચે મુજબની સૂચનાઓ આપી છે.
આ ચુકાદાએ સ્પષ્ટ કર્યુ છે કે બદલાતા સમય સાથે ન્યાયતંત્ર પણ ડિજિટલ વિકલ્પો અપનાવીને પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવી રહ્યું છે. વિદેશમાં રહેતા લાખો ભારતીયો માટે આ નિર્ણય કાયદાકીય ગૂંચવણો ઘટાડનારો સાબિત થશે તે પણ નક્કી છે.