
અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના ઉત્તર-પશ્ચિમ ઝોન હેઠળ આવેલા ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં ઝાડા અને ઉલ્ટીના કેસો નોંધાતા કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી અમિત શાહે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
પરિસ્થિતિની જાણકારી મેળવ્યા બાદ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોતા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણીની પાઇપલાઇનના રિપેરિંગ દરમિયાન પ્રદૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા હતા. આ બાબત શ્રી અમિત શાહના ધ્યાને આવતા તેમણે રોગચાળો વધુ ન ફેલાય તે માટે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ સૂચનાઓના અનુસંધાને આરોગ્ય વિભાગની 40 જેટલી હેલ્થ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. ટીમો દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમજ લોકોને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરીને સ્વચ્છ અને સુરક્ષિત પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત સોસાયટીઓમાં ટેક્નિકલ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને અન્ય અધિકારીઓની ટીમો મોકલીને પાણીની વ્યવસ્થાની તપાસ શરૂ કરવામાં આવી છે. સોસાયટીઓમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂરી હોય ત્યાં કોર્પોરેશન દ્વારા ટાંકીઓની સફાઈ પણ કરાવવામાં આવી રહી છે.
નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર મારફતે શુદ્ધ પાણી પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.
ગુજરાતને મળશે “વાયર ફ્રી સિટી”નું નવું રૂપ, રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી
Published On - 4:38 pm, Thu, 4 June 26