ત્રણ દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર (Flood) પરિસ્થિતિ ઊભી થઈ છે આ સંદર્ભે રાજ્યની એસડીઆરએફ અને સાથે સાથે એનડીઆરએફ લોકોની રાહત બચાવનું કાર્ય કરી રહી છે. સતત વરસી રહેલા વરસાદમાં લોકોને થતી હાલાકી બાદ તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. ગઈકાલે પણ દેશના પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) સાથે વાત કરીને રાજ્યની હાલતની સમીક્ષા કરી હતી ત્યારે તેમની સૂચના બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે છોટાઉદેપુર (Chhotaudepur) ના બોડેલી અને ત્યારબાદ નર્મદા જિલ્લાની હવાઈ સમીક્ષા કરી હતી.
છોટા ઉદેપુરમાં હવાઈ સમીક્ષા કર્યા બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હેલિકોપ્ટર મારફતે તેઓ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને નર્મદા જિલ્લાના પ્રભારી તથા કેબિનેટ મિનિસ્ટર મોદી પણ હાજર રહ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સમીક્ષા બાદ તેઓ હેલીપેડ પર ઉતર્યા બાદ આસપાસ માં આવેલા ખેતરોમાં કે જ્યાં પૂરના પાણી ફરી વળ્યા હતા તેવા લોકો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ રાજપીપળા ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે ઉચ્ચ અધિકારીઓને જરૂરી પગલાં લેવા સૂચનો પણ કર્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.
છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળા પહોંચ્યા હતા. જ્યાં સૌપ્રથમ અસરગ્રસ્ત વિસ્તારનું હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લીમડા ચોક વિસ્તારમાં 10 જેટલા અસરગ્રસ્તોને સહાય વિતરણ કરી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે જિલ્લામાં તમામ વહિવટી વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી.
Published On - 11:10 am, Wed, 13 July 22