શિક્ષકના લાફાથી વિદ્યાર્થીનાકાનનો પડદો ફાટ્યો, અમદાવાદની એક શાળામાં ઘટના બાદ પોલીસ ફરિયાદ, જુઓ Video

અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટી ગયો. વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ગંભીર કાર્યવાહીની માગ કરી છે.

શિક્ષકના લાફાથી વિદ્યાર્થીનાકાનનો પડદો ફાટ્યો, અમદાવાદની એક શાળામાં ઘટના બાદ પોલીસ ફરિયાદ, જુઓ Video
| Updated on: Jun 29, 2026 | 7:08 PM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં શારીરિક સજાનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીને શાળાના શિક્ષકે લાફો મારતા તેના કાનનો પડદો ફાટી ગયો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે જવાબદાર શિક્ષક સામે ગંભીર કાર્યવાહી કરવાની માગણી સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક વિગતો અનુસાર, આ ઘટના બે દિવસ અગાઉ બની હતી. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા તે દરમિયાન અંગ્રેજી માધ્યમના પીટી શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને લાફો ઝીંકી દીધો હતો. લાફા બાદ વિદ્યાર્થીને કાનમાં સતત દુખાવો થવા લાગ્યો અને તે રડવા માંડ્યો. શાળા સંચાલકોએ વાલીને બોલાવ્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક ઈએનટી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં વિદ્યાર્થીના કાનમાં સોજો અને લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોએ 10 દિવસ પછી ફરી તપાસ કરવાનું જણાવ્યું છે અને જો લોહીની ગાંઠ ઓગળશે નહીં, તો વિદ્યાર્થીને કાનનું ઓપરેશન કરાવવું પડી શકે છે.

આ ઘટનાના પગલે વિદ્યાર્થીના વાલીઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે. વાલીઓએ શાળા પાસેથી આ ઘટનાની લેખિત જવાબદારી લેવાની પણ માગણી કરી છે.

શિક્ષણ વિભાગે આ મામલે ગંભીર નોંધ લીધી છે. DEO રોહિતભાઈ ચૌધરીએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારે શારીરિક કે માનસિક શિક્ષા બાળકને કરી શકાતી નથી. તેમણે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. ચૌધરીએ ઉમેર્યું હતું કે, સંબંધિત શિક્ષક એક મહિનો પણ પૂરો થયો ન હોવા છતાં તાત્કાલિક અસરથી તેમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

શાળા દ્વારા પણ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શિક્ષકને દૂર કરવા, પોલીસ ફરિયાદ દાખલ કરવી અને વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અપાવવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે. તેમણે શારીરિક સજા અંગે શિક્ષણ વિભાગના સ્પષ્ટ પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે મુજબ આવી ઘટનાઓમાં પોલીસ કાર્યવાહી અને શિસ્ત વિષયક કાર્યવાહી થઈ શકે છે.

આ કિસ્સાએ અનેક સવાલો ઉભા કર્યા છે, આવા માસૂમ બાળક પર નિર્દયતાપૂર્વક કાર્યવાહી કરવાનો અધિકાર શિક્ષકને કોણે આપ્યો? શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે કયા પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરશે? વિદ્યાર્થીના કાનને થયેલા નુકસાન માટે કોણ જવાબદાર છે? શાળા સંચાલક મંડળ બાળકોની સુરક્ષા માટે કયા પગલાં ભરી રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ મળવા જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે.

કૃષ્ણનગરમાં બાઈક સવાર ઇસમોએ 50 લાખની ચીલઝડપ કરી, જુઓ Video

Follow Us