અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાશે.નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયા બાદ 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાશે.કોલ્ડપ્લેની ટીમ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી છે.કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં 3800થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે.
કોલ્ડપ્લે કોન્સર્ટ પહેલા કલાકારો અમદાવાદ પહોંચ્યા છે. સ્ટેડિયમ ક્રોસ રોડ પાસે કલાકારોએ મારી ચાની ચૂસકી લીધી હતી.લાખો લોકો કોન્સર્ટમાં હાજરી આપશે.કોન્સર્ટ પહેલા કલાકારો ગુજરાતી આનંદ માણી રહ્યા છે. 25-26 જાન્યુઆરીનાં રોજ કોલ્ડપ્લે કોનસર્ટ પહેલા કોલ્ડ પ્લેની ટીમ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર શોને OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે 1.25 લાખ પ્રેક્ષકો સ્ટેડિયમ ની અંદરથી જ્યારે અન્ય દર્શકો માટે OTT(ડિઝની+હોટ સ્ટાર) પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને મેટ્રો ટ્રેનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 25 અને 26 જાન્યુઆરીના રોજ મધરાત્રે 12:30 કલાક સુધી મેટ્રો દોડશે. દર આઠ મિનિટના સમયાંતરે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ થશે.અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામ સુધીના રૂટ ઉપર મેટ્રોનો નિર્ણય કરવામાં આવ્યો છે.જાહેર પરિવહનનો ઉપયોગ કરીને આવનાર લોકો માટે પણ BRTS અને AMTS એ વધુ બસો દોડાવી છે.
આ દિવસે શહેરના ટ્રાફિકને અડચણ ન થાય અને કોન્સર્ટમાં આવનાર લોકોને પણ હેરાનગતિ ન થાય તે માટે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે જેમાં એપ દ્વારા પાર્કિંગ માટેની જગ્યા અગાઉથી જ બુક કરી શકાશે.તો બીજી તરફ 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ સ્ટેડિયમમાં ખડેપગે રહેશે, સ્ટેડિયમમાં પણ 3થી 7 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. 5 વાગ્યે શરુ થનાર કોન્સર્ટ માટે દર્શકોને બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 અને 2 થી પ્રવેશ આપવામાં આવશે. રિક્ષાચાલકો અને ટેક્સી યુનિયન તરફથી પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ ઓટો રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.