મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) પીવાના પાણીના (Drinking water)વિતરણના કામો માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ નલ સે જલ (Nal se Jal) કાર્યક્રમને અનુલક્ષીને પીવાના પાણીના વિતરણ કામો માટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ઓગમેન્ટેશન કરીને નવા કામો હાથ ધરવાનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રી સમક્ષ આ હેતુસર, અમદાવાદ મહાનગરપાલિકાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે દરખાસ્ત રજુ કરી હતી.
તદ્દઅનુસાર, ર૦૦ મિલીયન લીટર પ્રતિદિન ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર પમ્પ હાઉસ સાથે બનાવવાની કામગીરી માટે અંદાજે ૮પ.૬૪ કરોડ રૂપિયાના કામો હાથ ધરાવાના છે. આ ઉપરાંત, જાસપૂર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર પટેલ રીંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ. કલીયર વોટર પાઇપ લાઇન નાંખવાની કામગીરી પણ રૂ. ૮૩.૦૯ કરોડના અંદાજીત ખર્ચે થવાની છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલ જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમાન્ડ વિસ્તારમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન્સ તથા તાજેતરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ બોપલ-ઘુમા વિસ્તારનો સમાવેશ થાય છે.
બોપલમાં ઔડા દ્વારા પાણી પૂરવઠાનું માળખું વિકસીત કરવાની કામગીરી ચાલી રહી છે અને ઘુમા વિસ્તારમાં આ પ્રકારની કામગીરીનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતમૂર્હત કરેલું છે. આ નવા સમાવિષ્ટ વિસ્તારોની પાણીની જરૂરિયાત ધ્યાને લઇને સમગ્ર જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કમાન્ડ વિસ્તારમાં ભવિષ્યમાં પાણી પુરૂં પાડવાનું અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન છે. જાસપૂર ખાતેના હાલ કાર્યરત ૪૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્વિમ ઝોન તેમજ પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.
આ વિસ્તારો ઉપરાંત, બોપલ-ઘૂમા નગરપાલિકા અને મણિપૂર-ગોધાવી વિસ્તાર તથા અમદાવાદ મહાનગરપાલિકા સિવાયના આર.એ.એચ વિસ્તાર સહિતની હાલની વસ્તીને બેઝ ઇયર ગણી આગામી ર૦૪પની અંદાજીત વસ્તીની આશરે ૧૦,રર૭ એમ.એલ.ડી પાણી જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ સમગ્ર આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી સમક્ષ મહાનગરપાલિકાની આ સંદર્ભની જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે, અમદાવાદ મહાનગરની પશ્ચિમ વિસ્તારની ભવિષ્યની પાણીની જરૂરિયાત ધ્યાને રાખી ર૦૦ એમ.એલ.ડી ક્ષમતાનો વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને આ પ્લાન્ટ ખાતેથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ભવિષ્યની પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઇ નવી ટ્રંક મેઇન લાઇન નાંખવી આવશ્યક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોની મહત્વતા જોતાં અને અમદાવાદ મહાનગરના આ વિસ્તારના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત જનહિત અભિગમથી આ યોજનાના કામો માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયા સૈદ્ધાંતિક રીતે મંજૂર કર્યા છે. અમદાવાદ મહાપાલિકાની આ સૂચિત યોજના અંતર્ગત જે કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે હાથ ધરાશે, તેના મુખ્ય ઘટકોમાં એમ.એસ. પાઇપ લાઇન, ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, કનેક્ટીંગ લાઇન, જાસપૂર વોટર વર્કસથી કે.ડી. હોસ્પિટલ, એસ.પી.રિંગ રોડ સુધી રપ૦૦ મી.મી ડાયા એમ.એસ પાઇપ લાઇન, ૩૦૦૦ મી.મી. ડાયા એમ.એસ પાઇપ પુશિંગના કામો વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કચ્છ: છે કોઇનો ડર ? કચ્છમાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો ! હવે બોર્ડર નજીકથી 41 વાહનો ઝડપાયા
આ પણ વાંચો : ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ની શરૂઆત, 16મી સુધી ચાલશે