Breaking News: અમદાવાદમાં બેફામ કાર હંકારી 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલને કોર્ટે આપ્યા હંગામી જામીન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર મધરાત્રે બેફામ કાર હંકારી 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજાવનાર નબીરા તથ્ય પટેલને હાઈકોર્ટે કોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા છે. આ અગાઉ તે હાઈકોર્ટમાં કેસમુક્તિની અરજી પણ કરી ચુક્યો છે.

| Edited By: | Updated on: May 11, 2025 | 6:31 PM

અમદવાદના અત્યંત ચકચારી અને કમકમાટીભર્યા ઈસ્કોન બ્રિજ અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે. હાઈકોર્ટે તથ્યના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. જામીન દરમિયાન તથ્ય સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેસે. તથ્ય પટેલે તેના માતાની બીમારીનું કારણ ધરીને જામીન માટે અરજી કરી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવ્યા હતા.

તથ્યને જોઈએ છે કેસમાંથી મુક્તિ, હાઈકોર્ટમાં કરી છે અરજી

આ અગાઉ અકસ્માત કર્યાના 13 મહિના બાદ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને માત્ર 1 દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા. દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માગ્યા હતા, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા.  હાલ 9 લોકોના ભોગ લેનારા આ નબીરાને હાલ કેસમાંથી મુક્તિ જોઈએ છે, જેના માટે તથ્યએ હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી પણ કરી છે.

આપને જણાવી દઈએ કે આ માલેતુજાર બાપના ફરજંદે 19 જૂલાઈ 2023ની રાત્રે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને ઘટના સ્થળે જ રહેંસી નાખ્યા હતા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 150થી પણ વધુ હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે અગાઉથી જ એક થાર ગાડીનો અકસ્માત થયેલો હતો અને લોકો ત્યાં ટોળે વળેલા હતા, એજ સમયે અચાનક બેફામ સ્પીડે તથ્યની જેગુઆર આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ હતી. રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.

અકસ્માત બાદની તપાસમાં તથ્ય ડ્રિન્ક કરીને કાર ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. માત્ર આ એક અકસ્માત નહીં એ અગાઉ પણ તથ્ય સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જી ચુક્યો હતો. બેફામ ગાડી હંકારવાના શોખીન આ નબીરાના કારણે 9 લોકોએ તેમની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા. ત્યારે આ ગુનાની ગંભીરતાને જોતા યેનકેન કારણોથી અનેક જામીન અરજી કરવા છતા તથ્યને જામીન આપવામાં આવ્યા ન હતા. જે બાદ પહેલીવાર તથ્ય પોલીસ જાપ્તા સાથે 7 દિવસ માટે જેલની બહાર આવશે.

Input Credit- Ronak Varma- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:07 pm, Sun, 11 May 25