
ભાવનગરથી અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઇવે પર હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે થયેલા ધડાકાભેર અથડામણમાં પાંચ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માત ધોલેરા-ભાવનગર હાઇવે પર હેબતપુર પાટિયા નજીક સવારે સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો (GJ-01-WB-1997) અને કિયા સેલ્ટોસ (GJ-04-EA-7161) વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઇ. અથડામણ એટલી ગંભીર હતી કે સ્કોર્પિયો કાર હાઇવે પરથી નીચે ખાબકી ગઈ હતી.
આ ભયંકર અકસ્માતમાં જગ્યા પર જ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં
ડો. ગૌરવભાઈ ડોબરીયા
તીર્થભાઈ ડોબરીયા
અશોકભાઈ ડોબરીયા
જ્યારે સારવાર દરમિયાન વધુ બે વ્યક્તિઓના મોત થયા
દિશાબેન (મહિલા)
ગોરધનભાઈ ડોબરીયા
પાંચેય મૃતકો ડોબરીયા પરિવારના સભ્યો હોવાનું માલૂમ પડ્યું છે. કિયા સેલ્ટોસ કારમાં મુસાફરી કરતો પરિવાર ભાવનગરના પાલીતાણા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સ્કોર્પિયો કારમાં મુસાફરી કરતા પરિવારના સભ્યો અમદાવાદના રહેવાસી છે.
અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોલેરા – પીપળી – 108 એમ્બ્યુલન્સ તથા એક અન્ય ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ પણ બે વ્યક્તિઓની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. કારોની ટક્કર કેવી રીતે થઈ અને વેગ કે લાપરવાહી એ કારણ બન્યા કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે.
Published On - 6:17 pm, Mon, 12 May 25